આણંદ, તા. ૧૪
ભેટાસી ગામે ડુપ્લીકેટ ખાતર અને જંતુનાસક દવાઓ બનાવવાની ફેકટરી ઝડપાઈ હતી. આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ભેટાસી ગામે બ્રાન્ડેડ કંપનીના ખાતરમાં ભેળસેળ કરી ડુપ્લીકેટ ખાતર તૈયાર કરી ખેડુતોને વેચવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે ગત રાત્રીના સુમારે એસઓજી પીઆઈ વી. કે. ગઢવી સહિત પોલીસ સ્ટાફે ભેટાસી વાંટા ગામની સીમમાં સુમન પટેલની તમાકુની ખળીમાં છાપો મારતા ડુપ્લીકેટ ખાતર બનાવવાની ફેકટરીમાંથી બ્રાન્ડેડ કંપનીના ખાતરમાં કેમીકલ સહિત અન્ય વસ્તુઓની ભેળસેળ કરી બનાવેલી ડુપ્લીકેટ ખાતરની ૪૦૦ થી વધુ થેલીઓ મળી આવી હતી. તેમજ ડુપ્લીકેટ જંતુનાસક દવાઓ મળી આવી હતી, જેને લઈને એસઓજી પોલીસ ચોંકી ઉઠી હતી. નડિયાદની એક મહિલા દ્વારા છેલ્લા ચાર વર્ષથી ડુપ્લીકેટ ખાતર બનાવવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. જેમાં બ્રાન્ડેડ કંપનીના ખાતર લાવી તેમાં કેમીકલ સહિત અન્ય ચીજવસ્તુ ઉમેરી તેને બ્રાન્ડેડ કંપનીના નામ છાપેલી અન્ય થેલીઓમાં ભરીને આ ડુપ્લીકેટ ખાતર વેપારીઓ દ્વારા ખેડુતોને વેચવામાં આવતું હતું. પોલીસે હાલમાં ઘટનાસ્થળેથી દોઢ લાખથી વધુનો મુદ્દામાલ અને આ ડુપ્લીકેટ ખાતરનું કૌભાંડ ચલાવતી મહિલા પારુલ પકંજભાઈ દલવાડી રહે. માઈ મંદીર રોડ,સારિકા પાર્ક સોસાયટી, નડીયાદ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી આ ખાતરની ચકાસણી કરાવતા તેમાં પણ ખાતર ડુપ્લીકેટ હોવાનું જણાયું હતું.