સુરેન્દ્રનગર, તા.ર૧
હળવદ રોડ પરથી આંગડિયા પેઢીના સંચાલક બાઇક પર ઘરે જતા હતા. આ સમયે સોસાયટીમાં જ લૂંટના ગુનાને અંજામ આપવા આવેલા પાંચ શખ્સોએ પેઢીના સંચાલક પર પાઇપથી હુમલો કરી રૂા. ૧.૭૬ લાખ ભરેલો થેલો લઇ જવાનો પ્રયાસો કર્યો હતો. પરંતુ યુવાને પાઇપ ઝુંટવીને હુમલાખોરોને પડકારવાની સાથે બૂમાબૂમ કરતા લોકો આવી જતા લૂંટારૂ પોતાનો થેલો અને પાઇપ મૂકીને નાસી છૂટ્યા હતા.
ધ્રાંગધ્રામા જૂની શાકમાર્કેટ રોડ પર વી. પટેલ આંગડિયા પેઢી આવેલી છે. તેના સંચાલક કૌશીકભાઈ પટેલ સાંજના હિસાબ કરી પોતાની દુકાન મંગલીત કરી હતી. ત્યારબાદ પોતાના હળવદ રોડ પર આવેલા સોસાયટીના મકાને રૂા.૧.૭૬ લાખ રૂપિયા ભરેલો થેલો લઈને બાઇક પર જવા નીકળ્યા હતા. સોસાયટીમાં જવા બાઇક વાળ્યું ત્યારે શખ્સો દ્વારા પાઈપ સાથે હુમલો કરી થેલો ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કૌશીકભાઈ પટેલે પાઈપ પકડી લેતા લૂંટારૂના હાથમાંથી પાઈપ છટકી જતા સામનો કર્યો હતો. જેના કારણે અન્ય શખ્સની પાછળ બાઇક પર બેસી લૂંટારૂ ભાગી ગયા હતા. આમ દેકારો થતા યુવાનો અને પોલીસવાન આવ્યા હતા. અંધારામાં કપડા ભરેલો થેલો મૂકીને લૂંટારૂઓ ભાગી ગયા હતા.