(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
ઉત્તરપ્રદેશમાં એક આંચકાજનક ઘટના બની હતી. લગ્નની ઊજવણી માટે મિત્રોને વધુ દારૂ આપવાની ના પાડતાં વરરાજાનું ચપ્પાના ઘા મારી મોત નિપજાવવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, રાજ્યના પાલીમુકીમ પુર ગામ ખાતે હત્યાનો આ બનાવ બન્યો હતો. પોતાના લગ્ન બાદ ૨૮ વર્ષીય બબલુ તુરંત પોતાના મિત્રોને મળવા ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ ગામ અલીગઢ જિલ્લામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે, પહેલાંથી જ વધુ નશાને કારણે ભાન ગુમાવી ચૂકેલા બબલુના મિત્રોએ હજુ વધુ દારૂની માંગ કરી હતી. પણ મૃતકે વધુ દારૂની વ્યવસ્થા કરવા સામે અસમર્થતા દર્શાવી હતી. તેણે મિત્રોને કહ્યું હતું કે, તેમણે પેહલાંથી જ વધુ દારૂ પીધો છે. જેના પગલે બબલુ અને તેના મિત્રો વચ્ચે દલીલો થઈ હતી. જેથી ઉશ્કેરાઈ જઈ તેના મિત્રોએ બબલુને ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બબલુને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો પણ ઈજાને કારણે તેણે દમ તોડી દીધો હતો. આ હત્યાના મુખ્ય આરોપી રામખિલાડીની ધરપકડ કરવામાં આવી હતી, એમ સર્કલ ઓફિસર નરેશસિંહે જણાવ્યું હતું. આ મામલે નાસતા-ફરતા વધુ પાંચ આરોપીઓની શોધખોળ ચાલુ છે. જેમની ટૂંક સમયમાં ધરપકડકની પોલીસે ખાતરી આપી હતી.