પોતાની વિવાદાસ્પદ ટ્વીટમાં રાવે લખ્યું હતું કે,
“આ એક સારો છૂટકારો છે, તમે ભગવા કપડામાં
એક હિન્દુ વિરોધી શખ્સ હતા. તમે હિન્દુ ધર્મને ખૂબ
જ નુકસાન પહોંચાડયું છે. મને એ વાતનો અફસોસ
છે કે, તમે એક તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં પેદા થયા
હતા. મારી યમરાજ સામે નારાજગી છે, તેમણે
આટલો સમય તમને ધરતી પર કેમ રહેવા દીધા”
(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૨
શું તમને એન. નાગેશ્વર રાવ યાદ છે કે, આ તે જ અધિકારી છે જેમની ૨૦૧૮માં નરેન્દ્ર મોદી સરકારે સીબીઆઈના પ્રમુખ તરીકે નિમણુક કરી હતી. હવે તેઓ એક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. આ વખતે તેઓ એક અલગ કારણોસર ચર્ચામાં છે. તેમણે પોતાની ટ્વીટ દ્વારા કોમી લાગણી ઉશ્કેરાય તે રીતે અગ્રણી સામાજીક કાર્યકર સ્વામી અગ્નિવેશના મોતની ઊજવણી કરી હતી. તેમની આ ટ્વીટ બાદ ચોમેરથી તેમને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાવની આ ટ્વીટ અંગે ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશન દ્વારા આકરૂ વલણ અપનાવતા જણાવવામાં આવ્યું હતું કે, રાવે પોલીસની વર્દીને કલંક્તિ કરી છે. પોેતાની વિવાદાસ્પદ ટ્વીટમાં રાવે લખ્યું હતું કે, “આ એક સારો છૂટકારો છે, તમે ભગવા કપડામાં એક હિન્દુ વિરોધી શખ્સ હતા. તમે હિન્દુ ધર્મને ખૂબ જ નુકસાન પહોંચાડયું છે. મને એ વાતનો અફસોસ છે કે, તમે એક તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં પેદા થયા હતા. મારી યમરાજ સામે નારાજગી છે, તેમણે આટલો સમય તમને ધરતી પર કેમ રહેવા દીધા.” પૂર્વ આઈપીએસ અધિકારીની આ ટ્વીટને ઈતિહાસકારો, સામાજિક કાર્યકરો અને અગ્રણી પત્રકારો દ્વારા વખોડવામાં આવી હતી. ઘણાં મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ટ્વીટ હિન્દુ ધર્મ વિરોધી છે. જો કે રાવે આ ટીકાઓ બાદ પણ પોતાની ભૂલ સ્વીકારી ન હતી અને જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં ક્યાંય કોઈ વ્યક્તિના મોેતની ઊજવણી સામે રોક લગાવવામાં આવી નથી. સૌથી તીખી પ્રતિક્રિયા ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશન તરફથી આવી હતી. પોલીસ ફાઉન્ડેશને પોતાની ટ્વીટમાં જણાવ્યું હતું કે, એક નિવૃત્ત આઈપીએસ અધિકારી સ્તરના ઓફિસર તરફથી આ પ્રકારની ટિપ્પણી આંચકાજનક છે. તેમણે પોલીસ યુનિફોર્મ પર લાંછન લગાવ્યું છે. તેમણે સરકારને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી છે. તેમણે સમગ્ર પોલીસ દળનું મનોેબળ તોડવાનું કામ કર્યું છે. ખાસ કરીને યુવા પોલીસ અધિકારીને આ ટ્વીટથી આંચકો લાગ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે સુપ્રીમ કોર્ટે રાવને અદાલત તિરસ્કાર કેસમાં દોષિત જાહેર કર્યા હતા. આ બદલ રાવને કોર્ટની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી એક ખૂણામાં બેસવાની સજા ફટકારવામાં આવી હતી. તેમને રૂા. એક લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
Recent Comments