(એજન્સી) નવી દિલ્હી, તા.૭
નવી દિલ્હીમાં ૩૦મી જાન્યુઆરીએ ફોટોગ્રાફર અંકિત સકસેનાની હત્યા એની પ્રેમિકાના કુટુંબ દ્વારા કરવામાં આવતા સમગ્ર દેશમાં એના પડઘા પડ્યા છે. કદાચ આ પહેલી ઘટના છે. જેમાં ઉચ્ચ વર્ણના હિન્દુ યુવક ઓનર કિલિંગનો ભોગ બન્યો છે. સકસેનાનો કેસ સુપ્રીમકોર્ટ અલગથી સાંભળશે. આંતરધર્મી લગ્ન માટેના મુદ્દા બાબતે સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે આ કેસનો સમાવેશ કર્યો નહીં. એવું જણાય છે કે, સુપ્રીમકોર્ટ ‘ઓનર કિલિંગ’ને રોકવા અને આ પ્રકારના લગ્નોને રક્ષણ આપવા વિશેષ સલાહ સૂચનો આપવા માંગે છે. સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે જણાવ્યું કે, પ્રેમ લગ્ન કરનાર યુગલો ઉપર એમના કુટુંબીજનો અને સમાજના અગ્રણીઓ, ખાપ પંચાયતો વગેરે ઘણા દબાણો કરે છે અને લગ્ન અટકાવવા પ્રયત્નો કરે છે. એને ધ્યાનમાં રાખી સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો કે બે વ્યસ્ક વ્યક્તિઓને લગ્ન કરતા કોઈ રોકી શકે નહીં અને આનો અમલ કરાવવા સુપ્રીમકોર્ટ પોલીસ કમિટીઓની ભલામણ કરી કમિટીઓ રચવા સરકારને આદેશ આપવા વિચારી રહી છે. જો આ પ્રકારની પોલીસ કમિટીઓ પ્રેમીઓને રક્ષણ આપવા માટે રચાશે તો એની શું ભૂમિકા હશે અને એ કેવી રીતે કાર્ય કરશે. એ પ્રશ્ન મૂંઝવતો છે, સુપ્રીમકોર્ટ આ પ્રકારના દંપતીઓના રક્ષણની જવાબદારી પોલીસ ઉપર મૂકવા માંગે છે અને ઉ.પ્ર. સરકારે એ જ પોલીસ દ્વારા પ્રેમીઓને ત્રાસ આપવા માટે એન્ટિ રોમિયો સ્કવોર્ડની રચના કરી છે. એક પોલીસ કમિટી એમનું રક્ષણ કરશે અને બીજી પોલીસ કમિટી એને ત્રાસ આપશે. આ બન્ને જો સામસામે આવશે તો એમાં વિજય કોનો થશે ? એ કોઈને ખબર નથી અને યુગલોનું શું થશે એ પણ કહી શકાય નહીં. ઓનર કિલિંગના કેસો વધી રહ્યા છે. એને સરકાર રોકી શકી નથી જે એક ગંભીર મુદ્દો છે. આ પ્રશ્નનો ઉકેલ પોલીસ કમિટી દ્વારા લાવી શકાશે એ પ્રશ્ન શંકાસ્પદ છે. આપણા દેશમાં એક હકીકત છે કે આંતરધર્મી લગ્નને કોઈ પણ કોમ સ્વીકારતી નથી જેમાં પોલીસનો પણ સમાવેશ થાય છે. પોલીસ પણ છેવટે તો સમાજનો હિસ્સો જ છે. એવા ઘણા પ્રસંગો બન્યા છે જેમાં પ્રેમીઓ પોલીસ પાસે રક્ષણ આપવા મદદ માંગવા ગયા છે. એમને પોલીસે મદદ તો પૂરી નથી પાડી પણ એમના ઉપર વધુ ત્રાસ ગુજાર્યો છે અને બન્ને જુદા જ થાય એવા જ પ્રયાસો કર્યા છે. પાર્કમાં બેઠેલ પ્રેમીઓને પોલીસ હેરાન કરી તોડ કરે છે એ વાત નવી નથી. પોલીસ એના માટે ટેવાઈ ગઈ છે પછી એ જ પોલીસ રાતોરાત કઈ રીતે પોતાની માનસિકતા બદલીને પ્રેમીઓને રક્ષણ પૂરું પાડશે એ એક પાયાનો પ્રશ્ન છે.