(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે જૂનના મધ્યમાં જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ શરૂ થઇ શકે છે તેવા સંકેત કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી આ માટે રાહ જોવાની શું જરૂર છે? જો સ્થિતિ કાબૂમાં રહેશે અને અથવા વાયરસને વ્યવસ્થિત રીતે કાબૂમાં લઇ શકાય તેવી સ્થિતિ હશે તો આપણે કેમ આ સ્થિતિ સાથે આગળ ના વધી શકીએ. આપણે બાકીનું બંદોબસ્ત કરવાની સ્થિતિમાં હોઇએ અને મધ્ય જૂન અને જુલાઇના અંત સુધીમાં આપણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કેમ ના શરૂ કરી શકીએ. તેમણે ફેસબૂક લાઇવ સત્ર દરમિયાન કહ્યું કે મને આશા છે કે, મને પૂરી આશા છે કે, ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરથી આપણે સંપૂર્ણ રીતે તો નહીં પરંતુ સારી એવી સંખ્યમાં આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન ફરીથી શરૂ કરવાના પ્રયાસ કરીશું.
નાગરિકી ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે, હું આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવાની તારીખ જણાવી શકતો નથી પરંતુ જો કોઇ વ્યક્તિ કહે કે, શું ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધી આ ચાલુ થઇ શકે છે તો મારો જવાબ હશેકે આ પહેલા કેમ નહીં અને જો સ્થિતિ પર કાબૂ પર તે વધારે નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે, ઘરેલુ ઉડાન સેવાઓ ૨૫ મેથી શરૂ થવા અને ભારતમાં ૩૧ મે સુધી લોકડાઉન લાગુ થવાની વચ્ચે કોઇ વિરોધાભાસ નથી. આપણે ઓગસ્ટ પહેલા સારી એવી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિમાની પ્રવાસી સેવાઓ શરૂ કરવાનો પ્રયાસ કરીશું. કોરોના ટ્રેસિંગ એપ અંગે તેમણે જણાવ્યું કે, આરોગ્ય સેતુ એપ અંગે ગ્રીન સિગ્નલવાળા પ્રવાસીઓને ક્વોરન્ટાઇનમાં મોકલવાની જરૂર સમજથી વેગળી છે. પુરીએ આ વાત ઘરેલુ વિમાની સેવાઓ ૨૫ મેથી શરૂ કરવાની ઘોષણાના ત્રણ દિવસ બાદ કહી છે. વાસ્તવમાં કોરોના વાયરસ મહામારીના ફેલાવાને રોકવા માટે કેન્દ્ર સરકારે ૨૫ માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું. ત્યારથી સરકારે તમામ વાણિજ્યિક પ્રવાસી ઉડાન સેવાઓ સ્થગિત કરી દીધી હતી. પુરીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેરળ, કર્ણાટક અને આસામ સહિતના છ રાજ્યો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ડોમેસ્ટિક ફ્લાઇટમાં આવનારા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. શનિવારે સવારે કર્ણાટક સરકારે કહ્યું હતું કે, સૌથી વધુ અસરગ્રસ્ત છ રાજ્યોમાંથી આવનારા લોકોને ઓછામાં ઓછા સાત દિવસ સુધી ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં રાખવા પડશે અને સાત દિવસ હોમ આઇસોલેશનમાં રાખીશું. વૃદ્ધો, દિવ્યાંગો, બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે છૂટછાટ રહેશે. હરદીપ પુરીએ ક્વોરન્ટાઇન વિશે જણાવ્યું હતું કે, આરોગ્ય સેતુ એપમાં જેને રેડ સિગ્નલ દેખાડશે તેને એરપોર્ટમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેથી તેઓ વિમાનમાં જઇ શકશે નહીં.

૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા શરૂ થશે; હવાઇ યાત્રા વિશે જાણો

કોરોના સંકટ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ૨૫ મે સોમવારથી ઘરેલુ ઉડાનોને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિમાની કંપનીઓની ઉડાનોના સંચાલન માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે પરવાનગી આપવામાં આવી છે. હાલના સમયમાં જરૂરી સેવાઓ સાથે જોડાયેલી વિમાની સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, દેશની પ્રથમ ડોમેસ્ટિક પ્રવાસી ફ્લાઇટ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૩ પરથી સવારે ૪.૩૦ વાગે ઉડાન ભરશે. પ્રથમ તબક્કામાં સમગ્ર ભારતમાં વિવિધ જગ્યાઓ માટે ૨૮ ડોમેસ્ટિક ફ્લાઇટ દિલ્હીથી ઉડાન ભરશે. પ્રવાસીઓને તેમની સાથે બોર્ડિંગ પાસ લાવવાની સૂચના અપાઇ છે. પેસેન્જરોને પોતાના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું પણ જરૂરી ગણાવ્યું છે. જેનાથી સ્પષ્ટ થશે કે વિમાનમાં પ્રવાસ કરનારી વ્યક્તિ કોરોના વાયરસ હોટસ્પોટમાંથી આવે છે કે નહીં. જો પ્રવાસીના ફોનમાં આરોગ્ય સેતુ એપ નહીં હોય તો તેણે કોરોના વાયરસના ઇન્ફેક્શનમાંથી મુક્ત હોવાનું જાહેર કરવું પડશે. એર ટ્રાવેલ સ્ટાફને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવાયું છે. ફ્લાઇટમાં પ્રવેશ દરમિયાન પણ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરાશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે, ૨૫મી મેથી શરૂ થતી ડોમેસ્ટિક ફ્લાઇટ અને ૩૧મી મે સુધી લંબાવાયેલા લોકડાઉન સાથે કોઇ લેવા દેવા નથી.

દિલ્હી એરપોર્ટ : સોમવારથી ફરી ઉડાન શરૂ થશે, આરોગ્ય સેતુ ફરજિયાત નથી

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
દિલ્હીના વ્યસ્ત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મુસાફરો માટે વિમાન સેવાઓ સોમવારથી ફરી શરૂ થશે. કોરોના વાયરસના ફેલાવાને અંકુશમાં લેવા ખાસ પગલાં લેવામાં આવશે. આઇજીઆઈમાં શરૂઆતમાં ૧૯૦ વિમાનોનું આગમન અને ૧૯૦ વિમાનોનું પ્રસ્થાન થશે અને કુલ ૪૦,૦૦૦ મુસાફરોનું આગમન થશે. પ્રથમ ફ્લાઇટ સવારે ૪-૩૦ વાગ્યે ઉપડશે. એરપોર્ટ અધિકારીઓ કહે છે કે, મુસાફરોએ ફરજિયાત રીતે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. તેના બદલે, તમે સ્વ-ઘોષણા ફોર્મ ભરી શકો છો, જેના પછી તમારે થર્મલ સ્ક્રીનિંગ કરવાની જરૂર પડશે અને તે ભાગ વૈકલ્પિક નથી. તમે અપેક્ષા કરી શકો છો, ફ્લાઇટ્‌સની બોર્ડિંગ પ્રક્રિયામાં નોંધપાત્ર ફેરફાર થશે. ઉદાહરણ તરીકે, તમારે તમારા પોતાના બોર્ડિંગ પાસ અને સામાન ટેગ પ્રિન્ટ કરવા પડશે. ચેક-ઇન કાઉન્ટર્સનો ઉપયોગ ફક્ત બેગ મૂકવા માટે જ કરવામાં આવશે અને રસીદની પુષ્ટિ કરવા માટે એસએમએસનો ઉપયોગ કરવામાં આવશે. સુરક્ષા તપાસમાં રૂઢિગત પેટર્ન શામેલ નથી અને ખાણી-પીણી વિસ્તારોમાં લોકોની સંખ્યા પ્રતિબંધિત રહેશે. સેનિટાઇઝરને ખાણી-પીણીના વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે; ખાસ સ્ટોર્સ રક્ષણાત્મક ગિયર વેચશે. હવા અને વોશરૂમને જીવાણુ નાશક કરવા માટે ખાસ સ્વચ્છતાના પગલાં લેવામાં આવશે. તમે ટર્મિનલમાં પ્રવેશતા પહેલાં તમારા જૂતાને પ્રવાહી બ્લીચથી સ્વચ્છ કરો તેવી અપેક્ષા રાખીએ છીએ. કાર્પેટ પણ સ્વચ્છ રાખવાની જરૂર છે ! અને જો તમને સામાજિક અંતર જાળવવાની જરૂરિયાતની યાદ અપાવવાની જરૂરી નથી, ત્યાં ચિહ્નો છે.

મહારાષ્ટ્ર સરકારે કહ્યું : વિમાન સેવા શરૂ નહીં થાય, ૩૧ મે સુધી લોકડાઉન અમલી રહેશે

મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં સોમવારથી ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ થવાની નથી. તેણે વધુમાં ઉમેરતાં કહ્યું છે કે, આગામી ૩૧ મે સુધી રાજ્યમાં લોકડાઉન અમલી રહેવાનું છે અને અમારી નીતિમાં હજુ કોઈ ફેરફારની ગુંજાઈશ નથી. ઉદ્વવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ કરવાનો નિર્ણય જાણીજોઈને કર્યો છે અને રાજ્ય સરકારો સાથે આ મામલે કોઈ ચર્ચા કે વિચારણા કરવામાં આવી નથી. ઉદ્વવ સરકારે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશમાં વિમાન સેવા શરૂ કરતાં પહેલાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ નક્કી કરવા સૌથી જરૂરી છે. વધુમાં કહ્યું કે, ભલે પછી એરપોર્ટની અંદરની વાત હોય કે પછી બહારની, તમામ જવાબદારીઓ રાજ્ય સરકારને હસ્તક જ આવે છે. તેમ છતાં મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, અમે આ મામલે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરવા માંગીએ છીએ. વિમાનના સંચાલન માટે લોકડાઉનના પ્રોટોકોલમાં ફેરફાર કરવા અંગે તમામ પ્રકારની ચર્ચાઓ કરી લેવી જરૂરી છે. જો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો એવો દાવો છે કે, મહારાષ્ટ્ર સરકાર સહિત તમામ રાજ્યોએ વિમાન સેવા શરૂ કરવા સંમતિ આપી હતી.

૬ રાજ્યોથી આવનારા લોકોને કર્ણાટકમાં ૭ દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે

ભારતમાં કોરોના વાયરસથી ચેપના નવા વિક્રમો સતત ૫ દિવસથી સ્થપાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે ૨૫ મેથી ઘરેલું વિમાન સેવાઓને મંજૂરી આપી હતી. જો કે, કોરોના વાયરસના વધતા જતાં ખતરોને ધ્યાનમાં રાખીને કર્ણાટક રાજ્યોના લોકોને ફ્લાઈટ બાદ પણ ૭ દિવસ સંસ્થાકીય ક્વોરન્ટાઈન રાખવાનો નિર્ણય કર્યો છે. ક્વોરન્ટાઈન સેન્ટરમાં આવતા મુસાફરો માટે કોરોના ચેક પણ કરવામાં આવશે. છ રાજ્યો માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસ છે. નોંધપાત્ર વાત એ છે કે, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૬૫૪ નવા કેસ મળી આવ્યા છે. આ સાથે હવે દેશમાં ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા ૧ લાખ ૨૫ હજાર અને મૃત્યુઆંક ૩૭૨૦ પર આવી ગયો છે. કર્ણાટક રાજ્યોના લોકોને ફ્લાઈટ બાદ પણ ૭ દિવસ સંસ્થાકીય ક્વોરન્ટાઈન રાખવાનો નિર્ણય કર્યો છે. દેશના ૫ રાજ્યોમાં ૭૩% કોરોના કેસ નોંધાયા છે. દેશભરમાં પીડિત લોકોમાંથી ૭૫% લોકોએ જ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે જેમાં ૩૫ ટકા કોરોના કેસ છે. એકલા મુંબઈમાં જ અત્યાર સુધીમાં ૨૯ હજાર કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૪૪ હજારથી વધી ગઈ છે.
તમિલનાડુમાં એક જ દિવસમાં સૌથી વધુ ૭૮૬ લોકો ચેપ લાગ્યા છે. આ સાથે રાજ્યમાં પીડિતોની સંખ્યા હવે ૧૫ હજાર થઈ ગઈ છે. ૧૩ હજાર કેસ સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે. બીજા રાજ્યો કરતાં તમિલનાડુમાં સ્થિતિ વધુ સારી છે. ગુજરાતના ૮૦૨ દર્દીનાં મોત થયા છે. દિલ્હીમાં ૨૦૮નાં મોત સાથે ચોથા નંબર પર છે. તમિલનાડુમાં અત્યાર સુધીમાં ૯૯ લોકોનાં મોત થયા છે. ભારતમાં ૪૧% એટલે કે લગભગ ૫૧ હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે.