(એજન્સી)

નવી દિલ્હી, તા.૧૯

દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસે આજે વધુ એક વખત આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ફેસબુક અને ભાજપ વચ્ચે અશુદ્ધ સંબંધ છે. કોંગ્રેસના પ્રવક્તા પ્રણવ ખેડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આંતરિક મેઈલના આધારે એ વાતનો ધટસ્ફોટ થયો હતો કે, ભાજપ અને ફેસબુક વચ્ચે ઈલુ ઈલુ ચાલી રહ્યું હતું. અંખી દાસ અને ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સમયે એક ખાસ પ્રકારનો માહોલ પેદા કર્યો હતો. તે સમયે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સાંસદો સાથે ફેસબુક ભારતના અધિકારી અંખી દાસ સંપર્કમાં હતા. યુપીએ સરકાર સમયે આંતરિક ઈમેલ દ્વારા આ લોકો એકબીજાના સંપર્કમાં હતા.

પવન ખેડાએ ફેસબુકના જાહેર નીતિ નક્કી કરતા તત્કાલિન  ઉપ પ્રમુખ મારને લેવિનના જુલાઈ ૨૦૧૨ના મેમોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં એ વાતનો સંદર્ભ હતો કે, તત્કાલિન કાયદા અને ન્યાય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી કપિલ સિબ્બલે નિયમોની ભાષા નક્કી કરવા વિપક્ષના સાંસદો સાથે બેઠક યોજી હતી. અંખી દાસ સરકાર દ્વારા નિમાયેલી કમિટિના સંપર્કમાં હતા. મુદ્દો જ્યારે કોર્ટમાં હતો ત્યારે સોશિયલ મીડિયાએ માધ્યમોમાં આ મુદ્દો જીવંત રાખવાનું નક્કી કર્યું હતું. તેમજ ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખર સહિતના લોકોએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ દાખલ કરી હતી. એટલું જ નહીં લોકસભા ચૂંટણી ૨૦૧૪ના પરિણામો બાદ અંખી દાસે એક લેખ પણ લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ધણાં મુદ્દા માટે આ ચૂંટણી યાદ રાખવામાં આવશે. આ લેખમાં અંખીએ વધુમાં ખુલાસો કર્યો હતો કે, આ ચૂંટણીમાં સોશિયલ મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. ચાર માર્ચથી અમે ઈલેકશન ટ્રેકરની શરૂઆત કરી હતી જેમાં ભાજપ અને નરેન્દ્ર મોદી નંબર એક પર રહ્યા હતા.  અત્રે ઉલ્લેખનિય છે કે,સોેશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુક પર ભાજપની તરફેણમાં પોતાની નીતિઓની અવગણના કરવાના આરોપો બાદ રાજ્કીય ઉથલ-પાથલ વચ્ચે મંગળવારે કોંગ્રેસે એફબીના પ્રમુખ માર્ક ઝુકરબર્ગને ઈ-મેલ દ્વારા એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં સમગ્ર મામલાની તટસ્થ તપાસ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે કોઈપણ ભોગે દેશની લોકશાહીને નુકશાન નહીં થવા દઈએ. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ, બોગસ સમાચાર, નફરતભરેલા ભાષણો દ્વારા અમે લોકશાહીને નુકશાન નહીં થવા દઈએ. ફેસબુક નફરતભરેલા અને બોગસ સમાચારો ફેલાવામાં સામેલ હોવા અંગે તમામ ભારતીયએ પ્રશ્ન પૂછવા જોઈએ.