રાલેગણ સિદ્ધિ,તા.૨૯
ભારતીય લશ્કરના નિવૃત્ત સૈનિક અને સામાજિક કાર્યકર અન્ના હજારે રાષ્ટ્રપિતા ગાંધીજીની પુણ્યતિથિ એટલે કે ૩૦ જાન્યુઆરી શનિવારથી આમરણ ઉપવાસ પર ઊતરશે. હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનના ટેકામાં અન્નાએ કહ્યું કે ખેડૂતો માટે રચાયેલા સ્વામીનાથન પંચના રિપોર્ટનો અમલ કરવા માટે હું સતત ૨૦૧૮થી કેન્દ્ર સરકારને વિનંતી કરતો રહ્યો છું. પરંતુ મારી વિનંતી એળે ગઇ હોય એવું આ ખેડૂત આંદોલન પરથી લાગે છે. હાલ આંદોલન કરી રહેલા ખેડૂતોના ટેકામાં અન્નાએ શનિવાર ૩૦ જાન્યુઆરીથી આમરણ ઉપવાસ પર ઊતરવાની ધમકી આપી હતી. અન્નાના વતન રાલેગણ સિદ્ધિ ગામના યાદવબાબા મંદિરમાં અન્ના ઉપવાસ પર ઊતરશે. જો કે કેન્દ્રના ખેતીવાડી ખાતાના રાજ્ય પ્રધાન કૈલાસ ચૌધરી આજે રાલેગણ સિદ્ધિ પહોંચી રહ્યા હતા. અત્યાર અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર હરિભાઉ બાગડે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ, ભાજપના નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ, અહમદનગરના સાંસદ સુજય વિખે પાટિલ વગેરે નેતાઓ રાલેગણ સિદ્ધિની મુલાકાતે ગયા હતા અને અન્નાને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ એનું કોઇ અનુકૂળ પરિણામ આવ્યું નહોતું. સ્વામીનાથન પંચના રિપોર્ટ અને ટેકાના લઘુતમ ભાવની માગણી સાથે અન્ના મક્કમ હતા.
Recent Comments