(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૦
શિવસેનાના સાંસદ સંજય રાઉતે ગુરૂવારે કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેના એ દાવા સામે કટાક્ષ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતોના આંદોલન પાછળ ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોનો હાથ છે. રાઉતે કહ્યું કે જો આ બાબત સાચી હોય તો કેન્દ્ર સરકારે પાડોશી દેશોને પાઠ ભણાવવો જોઇએ. મુંબઇમાં પત્રકારોને રાઉતે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ઉકેલ શોધવો જોઇએ. જો તે ખરેખર ઉકેલ શોધવા માગતી હોય તો તેણે કૃષિ કાયદા અંગે ખેડૂતો સાથેની મડાગાંઠ વહેલી ઉકેલવી જોઇએ. રાઉતે વધુમાં જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીના આ નિવેદનને શિવસેનાએ ગંભીરતાથી લીધું છે. અને હવે કેન્દ્ર સરકારની જવાબદારી છે કે, પાડોશી દેશોને પાઠ ભણાવે. આ મહત્વના મુદ્દાને બહાર લાવવા બદલ શિવસેના દાનવેની આભારી છે. રાજ્યસભા સાંસદે વધુમાં કહ્યું કે, સમગ્ર દેશમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ એકસરખી છે. જો કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર કાયદામાં સુધારા કરવા માગતી હોય તો તેણે પાર્ટી શાસનવાળા રાજ્યોમાં તેને લાગુ કરવા જોઇએ. બાદમાં તેણે દેશના અન્ય રાજ્યોમાં લાગુ કરવા જોઇએ. કેટલાક વર્ષ પહેલા બિહારમાં એપીએમસી એક્ટ બદલવામાં આવ્યો હતો તેનો હવાલો આપતાં રાઉતે કહ્યું કે, મને જાણ છે ત્યાં સુધી અનાજની કિંમત બિહારમાં ૯૦૦ રૂપિયા છે અને પંજાબમાં ૧૫૦૦ રૂપિયા છે. તો શું બિહારના ખેડૂતો તેમનો અનાજ વેચવા પંજાબમાં જશે ? સિંઘુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા લાખો કિસાનો પોતાની માગો પર અડગ છે. જો સરકાલ ઉકેલ લાવવા માગતી હોય તો તે લાવી શકે છે.
Recent Comments