(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૨
નવા કૃષિ કાયદાઓ મુદ્દે ખેડૂતોએ આંદોલન જલદ બનાવવાનું આહવાન કર્યું છે ત્યારે વડાપ્રધાન મોદીએ શનિવારે ફરીવાર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ હોવા પર ભાર મુકતાં જણાવ્યું કે, કાયદાઓને આવક વધારવા માટે વૈકલ્પિક માર્કેટ આપવાના લક્ષ્ય સાથે બનાવાયા છે. શનિવારે ૧૭મા દિવસમાં પ્રવેશેલા ખેડૂત આંદોલનનો સીધો ઉલ્લેખ ના કરતાં મોદીએ કહ્યું કે, કૃષિ સુધારા અવરોધો હટાવવાના સરકારના લક્ષ્યાંકના પ્રયાસોનો ભાગ છે. અને નવા કાયદાઓઆ ક્ષેત્રમાં ટેકનોલોજી અને રોકાણ પણ લાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘની ૯૩મી વાર્ષિક સામાન્ય બેઠક અને વાર્ષિક સમ્મેલનનું ઉદ્દઘાટન ડિજિટલ માધ્યમથી કરતાં કહ્યુ કે આપણો દેશ અને આખી દુનિયાએ આ વર્ષે ઉથલ પાથલ જોઇ છે. પીએમ મોદીએ કહ્યુ કે, સારી વાત એ છે કે કોરોનાને કારણે સ્થિતિ જેટલી જલ્દી બગડતી ગઇ તેટલી ઝડપથી સુધરી રહી છે. આજે ભારતમાં કોર્પોરેટ ટેક્સ વિશ્વમાં સૌથી ઓછો છે. ઇંસ્પેક્ટર રાજ અને ટેક્સના જંજાલને પાછળ છોડી ભારત પોતાના ઉદ્યમીઓ પર વિશ્વાસ કરી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે એક સેક્ટર વિકસિત કરે છે તો તેનો વિકાસ બીજા સેક્ટરો પર પણ પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ખેતીમાં જેટલુ ખાનગી વિસ્તાર દ્વારા રોકાણ કરવુ જોઇતુ હતું તેટલુ રોકાણ કરવામાં નથી આવ્યુ. ખાનગી ક્ષેત્રએ કૃષિ ક્ષેત્રને એક્સપ્લોર નથી કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે કૃષિ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ સારૂ કામ કરી રહી છે પરંતુ તેમણે હજુ વધુ સારૂ કામ કરવાની જરૂર છે. પંજાબ અને હરિયાણા સહિતના અનેક રાજ્યોમાંથી સેંકડો ખેડૂતોએ દિલ્હી તરફ જતા હાઇવે બ્લોક કર્યા છે જેઓ છેલ્લા બે અઠવાડિયાથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોને ભય છે કે, નવા કૃષિ કાયદાઓ એમએસપીને નાબૂદ કરશે. તેઓએ એવી પણ ચિંતા દર્શાવી છે કે, સરકાર મોટાપાયે ઉદ્યોગપતિઓને આ ક્ષેત્રમાં નાખવા માગે છે જેમાં અદાણી અને અંબાણીનો સમાવેશ થાય છે. જેઓ કૃષિ ક્ષેત્રમાં પોતાનો પગપેસારો કરતા જોવા મળી રહ્યા છે. આંદોલનરત ખેડૂતોએ જ્યાં સુધી સરકાર કાયદાઓ રદ ના કરે ત્યાં સુધી આંદોલન વેગવંતુ બનાવવાની જાહેરાત કરી છે. જોકે, સરકારે તેમની આ માગ પર ધ્યાન આપ્યું નથી.
Recent Comments