સરકાર MSP પર લેખિત બાંહેધરી આપવા તૈયાર, વિપક્ષથી ગેરમાર્ગે ન દોરાતાં, ભારત બંધથી દેશનું આર્થિક નુકસાન થશે અને મને વિશ્વાસ છે કે, ખેડૂત દેશમાં અશાંતિ ફેલાવનારૂં કોઈ પગલું નહીં ભરે

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
કિસાન સંગઠનો સાથે કેટલાક રાઉન્ડની વાતચીત પરિણામ વગરની રહ્યા બાદ કેન્દ્ર સરકાર થોડીક નરમ પડી છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે, સરકાર લેખિતમાં આપી શકે છે કે, ટેકાના ભાવ યથાવત રખાશે. જો કે, ચૌધરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, કિસાન આંદોલનને ડિસક્રેડિટ કરતાં તેમણે લાગતું નથી કે આ અસલી ખેડૂત છે. ચૌધરીએ કહ્યું કે હું માનતો નથી કે આ અસલી ખેડૂત છે, અસલી ખેડૂત તો પોતાના ખેતરમાં કામ કરી રહ્યો છે. તેઓ આ અંગે ચિંતિત છે. તેમણે આરોપ મૂક્યો કે કેટલાક રાજકીય લોકો આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે અને દેશના ખેડૂત નવા કાયદાઓના સમર્થનમાં છે.
ચૌધરીએ કહ્યું કે, મને લાગે છે કે કોંગ્રસ સરકાર અને વિપક્ષ ખેડૂતોને ભડકાવી રહ્યું છે. દેશના ખેડૂત આ કાયદાની સાથે છે પરંતુ રાજકીય લોકો આગમાં ઘી હોમવાની કોશિષમાં છે. મને પીએમ મોદીના નેતૃત્વ અને ખેડૂતો પર પૂરો વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે, ખેડૂત કોઈ એવો નિર્ણય કરશે નહીં જેનાથી દેશમાં કયારેય અશાંતિ થાય. આ કાયદાથી તેમને આઝાદી મળી છે. મને નથી લાગતું કે આ અસલી ખેડૂત છે, અસલી ખેડૂત તો પોતાના ખેતરોમાં કામ કરી રહ્યા છે.
ખેડૂત સંગઠનોએ શનિવારના રોજ કેન્દ્ર સરકારની સાથે બેઠકમાં સ્પષ્ટ કહી દીધું હતું કે, તેઓ પાછળ હટશે નહીં. ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓની વચ્ચે મીટિંગમાં ખૂબ જ ગરમાગરમી થઈ. સ્થિતિ એટલી બગડી કે અંદાજે દોઢ કલાક સુધી ખેડૂત નેતાઓએ મૌન વ્રત રાખ્યું હતું. મામલો એટલો વધી ગયો કે મંત્રીઓ અધવચ્ચે બેઠક છોડીને જતા રહ્યા. બાદમાં તેઓ એ બતાવતા પાછા ફર્યા કે આગળના રાઉન્ડની વાતચીત ૯ ડિસેમ્બરના રોજ થશે. ખેડૂત સંગઠનોએ ૮ ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂત આંદોલનોને વિભિન્ન રાજકીય પક્ષોનું સમર્થન પણ મળી રહ્યું છે તેનાથી મોદી સરકાર માટે પડકારો મોટા થઈ ગયા છે.