(એજન્સી) તા.૧
જાતિ આધારિત ભેદભાવ અને નફરતની વધુ એક ઘટના આંધ્રપ્રદેશના કરનૂલ જિલ્લામાં બની છે. અહીં ૩૦ વર્ષીય દલિત યુવકની ધોળા દિવસે હત્યા કરવાની ચકચાર મચાવતી ઘટના બની છે. આ માહિતી કરનૂલ જિલ્લાની પોલીસે આપી હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે આ યુવક ઘરે પાછો ફરી રહ્યો હતો, તે બજારમાં નવા વર્ષની ઉજવણી માટે કેક ખરીદીને જઈ રહ્યો હતો. જો કે, બે લોકોએ તેને રસ્તામાં અટકાવ્યો હતો અને લોખંડની રોડ તથા પથ્થરો વડે તેના પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેના માથામાં એક મોટા પથ્થરથી હુમલો કરાયો હતો અને તેઓ ત્યારે ત્યાંથી નાસી ગયા જ્યારે તે મૃત્યુ પામી ગયો. આ માહિતી એડોની સર્કલ ઈન્સપેક્ટર ઓફ પોલીસ પી.શ્રીરામુલુએ આપી હતી. શુક્રવારે પોલીસે પીડિતની ૨૫ વર્ષીય પત્નીની ફરિયાદના આધારે સસરા ચિન્ના એરન્ના અને કાકા પેડ્ડા એરન્નાની અટકાયત કરી હતી. પોલીસ ઈન્સપેક્ટરે આ મામલે જણાવ્યું કે, અમે તપાસ કરી રહ્યા છે અને હાલમાં ઔપચારિક ધોરણે બે લોકોની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મૃત્યુ પામનારા યુવકની ઓળખ એડમ સ્મિથ તરીકે થઈ છે, તે ગુરાજાલા ગામનો વતની છે અને છ અઠવાડિયા પહેલાં જ તેના લગ્ન થયા હતા. તેણે આ ગામની જ યુવતી સાથે લગ્ન કર્યા હતા જે આર્ય સમાજના મંદિરમાં થયા હતા. મૃત્યુ પામનારા યુવકના પરિજનો આ લગ્નની વિરૂદ્ધ હતા. સ્મિથ એક દલિત ક્રિશ્ચિયન હતો અને મહિલા કુરૂવા સમુદાયની હતી જે ઓબીસી સમુદાયમાં સામેલ છે.