(એજન્સી) તા.૬
આધાર ડેટા લીક થયા હોવાના અહેવાલને સરકારે રદિયો આપવા છતાં આંધ્ર પ્રદેશના ગુંતુરમાં એક ગેરકાયદેસર કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે કે જેમાં નકલી આધાર રેકર્ડ રજૂ કરાયો હતો અને તેને ટ્રાન્સપ્લાન્ટ માટે પુરાવા તરીકે આપવામાં આવ્યો હતો.
ગુંતુર જિલ્લાના નારાસારા ઓપેટમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં કિડનીના લાભાર્થીએ નકલી આધારની વિગતો તૈયાર કરીને કિડનીદાતાને પોતાના સગાસંબંધી તરીકે રજૂ કર્યા હતા અને એ દ્વારા ગેરકાયદે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું. નારાસારા ઓપેટના મામલતદાર દ્વારા હાથ ધરાયેલ તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે કિડની દાતા કોઇ પણ રીતે દર્દી સાથે લોહીની સગાઇ કે સંબંધ ધરાવતા ન હતા અને આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
તપાસ દ્વારા એવું જાહેર થયું છે કે તેલંગાણાના આરોપી વેંકટેશ્વરલુ નાયકે દાતા રાઉરી રવિ ચૌધરીના નામે નકલી આધાર કાર્ડ બનાવ્યું હતું અને તેમાં નકલી એડ્રેસ પણ રજૂ કરાયું હતું અને પોતે કિડની દાતાના સંબંધી હોય એવા પુરાવા રજૂ કર્યા હતા. રામક્રિષ્ન નામની વ્યક્તિની બંને કિડનીઓ ખરાબ થઇ ગઇ હતી અને ગુંતુરમાં ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ કાયદા પ્રમાણે લોહીની સગાઇ ધરાવતી વ્યક્તિ જ કિડનીદાતા બની શકે છે. આથી નકલી આધાર કાર્ડ સાથે એક સાઝીશ રચવામાં આવી હતી.
કિડની દાતા નાયક રૂા.૪ લાખમાં પોતાની કિડની દાનમાં આપવા સંમત થયા હતા. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ગેરકાયદે ટ્રાન્સલપ્લાન્ટનો એક જ માત્ર કિસ્સો છે કે આવું એક રેકેટ સમગ્ર જિલ્લામાં ચાલી રહ્યું છે? આ ઘટનામાં છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.