(એજન્સી) અમરાવતી, તા. ૮
આંધ્રને વિશેષ દરજ્જાની માંગણીએ એનડીએ ગઠબંધનમાંથી બહાર નીકળી જવાના ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુના સંકેત બાદ વડાપ્રધાન મોદીએ ફોન પર નાયડુ સાથે ૧૦ મિનિટ વાત કરી. નાયડુએ પીએમ મોદીને કેબિનેટમાંથી ટીડીપીના બે મંત્રીના રાજીનામા અંગે વાકેફ કર્યાં. સૂત્રોએ કહ્યું કે આ વાતચીત હૂંફાળી રહી અને તેમાં હાલના વિવાદની કોઈ છાંટ જોવા મળી નહોતી. નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુ અને રાજ્યકક્ષાના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી વાયએસ ચોધરીએ મોદીને મળીનેે રાજીનામા સુપ્રત કર્યાં હતા. નાયડુએ બુધવારે રાતે એવું કહ્યું હતુ કે મેં મોદીને ફોન કર્યો હતો પરંતુ મોદી ફોન લાઈન પર આવ્યાં નહોતા.
આ ઘટનાક્રમના ૧૦ મુદ્દાઓ
૧. બુધવારે રાતે તાકીદની પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ચંદ્રબાબુ ન નાયડુએ કેન્દ્રીય કેબિનેટમાંથી પોતાના બે મંત્રીઓને પરત બોલાવવામાં જાહેરાત બાદ ટીડીપી સાથેનું ભાજપનું પાંચ વર્ષના ગઠબંધન તૂટવાની અણીએ પહોંચ્યું.
૨. નાયડુની જાહેરાત બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે આંધ્ર એકમના ભાજપ અધ્યક્ષ કે હરી બાબુ સાથે વાત કરીને તેમને એવો આદેશ આપ્યો કે રાજ્ય સરકારમાંના ભાજપના બે મંત્રીઓએ રાજીનામા આપી દેવા જોઈએ
૩. ટીડીપી ધારાસભ્ય રવિન્દ્ર બાબુએ કહ્યું કે હવે પછીનું પગલું ભાજપની આગેવાની વાળા એનડીએ ગઠબંધનમાંથી બહાર નીકળી જવાનું છે. પરંતુ નાયડુ પાસે હજુ પણ રસ્તા ખુલ્લાં છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની પ્રતિક્રિયાને આધારે આગામી પગલું ભરવામાં આવશે.
૪મોદી સરકારમાં ટીડીપીના બે મંત્રીઓ અશોક ગજપતિરાજુ અને વાયએસ ચોધરી વડાપ્રધાન મોદીને મળીને રાજીનામું સુપ્રત કરવાના છે.
૫, ગુરુવારે વિધાનસભામા નાયડુએ કહ્યું કે કેન્દ્ર સરકારમાંના અમારા મંત્રીઓ અને ટીડીપી સરકારના ભાજપી મંત્રીઓએ રાજીનામા આપી દીધાં છે.
૬. નાયડુ સરકારમાં ભાજપના બે મંત્રીઓ શ્રીનિવાસ રાવ અને ટી મનિકલાએ ગુરુવારે સવારે રાજીનામાં આપ્યાં.
૭. બુધવારે રાતે એક તાકીદની મીડિયા બ્રિફિંગમાં નાયડુએ કહ્યું કે રાજ્યના હિતને ધ્યાનમાં રાખીને ટીડીપીએ એનડીએ ગઠબંધનમાંથી બહાર નીકળી જવાનો દુખદ નિર્ણય કર્યો છે.
૮. નાયડુએ કહ્યું કે હું ૨૯ વાર દિલ્હી ગયો વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્રીઓને મળ્યો અને અમારી માંગણી સંતોષવાની વિનંતી કરી પરંતુ કંઈક ન વળ્યું.
૯. તેમણે કહ્યું કે મેં સૌજન્ય ખાતર ગઠબંધનમાંથી અલગ થવાના નિર્ણય અંગે વડાપ્રધાન મોદીને જાણ કરવા ફોન કર્યો પરંતુ તેમણે ફોન ન ઉઠાવ્યો. અમારી પાર્ટીના નિર્ણય વિશે મોદીને જાણ કરવાની અમારી ફરજ છે.
૧૦. બુધવારે સાંજે જેટલીએ એવી જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર આંધ્રને ફંડ પુરુ પાડવા રાજી છે પરંતુ વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી.
શું ચંદ્રબાબુ નાયડુએ૨૦૧૯ના ત્રીજા મોરચાની આગેવાની લેવાનો ઈશારો કર્યો ?
છેલ્લા થોડા દિવસોમાં આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ૨૦૧૯ ની ચૂંટણીમાં ત્રીજા મોરચાના વિચારને બળ આપી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં તેમણે પોતાની વરિષ્ઠતા અને રાજનીતિના વિશાળ અનુભવ અંગે વાતો કરી. ૬૬ વર્ષીય નાયડુએ કહ્યું કે હું દેશના સાંપ્રત રાજકારણમાં સૌથી મોટો રાજકીય નેતા છું. હું ૪૦ વર્ષથી રાજનીતિમાં છું અને ઘણો અનુભવ છે. જોકે તેમણે સીધી રીતે ત્રીજા મોરચાની આગેવાની લેવાની વાત કરી નથી કે કોઈની સાથે જોડાવાની વાત કરી નથી. રાજ્ય વિધાનસભાના સત્રને સંબોધિત કરતાં નાયડુએ કહ્યું કે પ્રાદેશિક રાજકીય પાર્ટીઓએ તેમના હિતોનું રક્ષણ કરવા માટે કડક નિર્ણયો લેવા પડશે. તેમણે રાજ્ય વિધાનસભાને યાદ અપાવ્યું કે આ પ્રાદેશિક પાર્ટીઓ દેશભરમાં ઉદારમતી પાર્ટીઓને એકજૂટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ચંદ્રબાબુ નાયડુની વિશેષ દરજ્જાની માંગણી બાદ,
‘અમારે પણ જોઈએ’ ટીમ નીતિશકુમારે કહ્યું
ચંદ્રબાબુ નાયડુની વિશેષ દરજ્જાની માંગણી બાદ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીએ પણ બિહાર માટે આવા દરજ્જાની માંગણી કરી છે. નીતિશ કુમારની પાર્ટી જનતા દળે રાજ્ય માટે વિશેષ દરજ્જાની માંગણી ઉઠાવી છે. જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા વગર બિહારનો વિકાસ થઈ શકે તેમ નથી. અમે આંધ્રની માંગણીને ટેકો આપીએ છીએ. આંધ્ર પ્રદેશ એ જ જગ્યાએ છે કે જ્યાં ભાગલા બાદ બિહાર હતું. તમામ સંસાધનો તેલંગાણા જતાં રહ્યાં. તેથી આંધ્રને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ બિહાર માટે વારંવાર વિશેષ રાજ્યના દરજ્જાની માંગણી કરી છે. ગત વર્ષના મે માં પીએમ મોદીને પાઠવેલા પત્રમાં તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બેવડો વિકાસ દર હાંસલ કર્યા બાદ પણ અમે હજુ પણ ઘણા તબક્કે સરેરાશ રાષ્ટ્રીયની પાછળ ચાલી રહ્યાં છીએ. મુખ્યમંત્રી પટણામાં પાંચ કલાકના ધરણા પર બેઠા હતા. નીતિશની પાર્ટીની માંગણી પર બોલતાં કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે ઘણા લાંબા સમયથી નીતિશ સરકાર વિશેષ દરજ્જાની માંગણી કરી રહી છે અને અમે વિશેષ દરજ્જા જેવું ખાસ પેકેજ મળેલું છે. તેમ છતાં કેટલાક લોકો રાજી નથી અને તેનાથી સંતુષ્ટ નથી. હું તો ફક્ત એટલું જ કહીશ કે એનડીએ શાસનમાં ભારતનો વિકાસ થઈ શકે છે.
Recent Comments