અમદાવાદ,તા. ૧૧
ગુજરાતમાં ભાજપ સરકારના અને દેશમાં મોદી સરકારના શાસનમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર અને દમનના વિરોધમાં દેશભરના દલિત સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાયેલી છે ત્યારે આગામી તા.૧૪મી એપ્રિલે આંબેડકર જયંતિના દિવસે ડો.બાબા સાહેબ આંબેડકરની કોઇપણ પ્રતિમાને ભાજપના નેતાઓને નહી સ્પર્શવા દેવા દલિત યુવા નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સમગ્ર દલિત સમાજને હાકલ કરી છે. મેવાણીની આ ચીમકીને પગલે રાજયમાં એ દિવસે દલિતો અને પોલીસ તંત્ર તેમ જ રાજકીય નેતાઓ વચ્ચે કોઇ ઘર્ષણ કે માથાકૂટના અનિચ્છનીય બનાવો ના બને તે માટે વહીવટી તંત્રની સાથે સાથે રાજય પોલીસ તંત્રએ પણ ભારે કમર કસી છે. ખાસ કરીને રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ તા.૧૪મી એપ્રિલે રાજયભરના પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને તેમનું હેડકવાર્ટર નહી છોડવા અને કોઇપણ સંજોગોમાં એ દિવસે રજા નહી લેવા કડક તાકીદ કરી છે. મેવાણીની હાકલને પગલે દલિત સમાજ પણ આંબેડકર જયંતિની ઉજવણીને લઇને સજ્જ થઇ ગયો છે.
આગામી તા.૧૪મી એપ્રિલે ડો.બાબા સાહેબ આંબેડકરની જયંતિને લઇ દલિત સમાજ તેમના લોકપ્રિય નેતાની યાદમાં ઉજવણી અને કાર્યક્રમોને લઇ વ્યવસ્ત બન્યો છે ત્યારે બીજીબાજુ, દલિત યુવા નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિતો પર ભાજપના શાસનમાં વધી ગયેલા અસહ્ય અત્યાચાર અને જુલ્મના વિરોધમાં તા.૧૪મી એપ્રિલે આંબેડકર જયંતિ નિમિતે ભાજપના કોઇપણ નેતાને બાબા સાહેબની પ્રતિમાને નહી સ્પર્શવા દેવા સાફ હાકલ કરી છે. મેવાણીની આ ચીમકીને લઇ રાજય પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની ચિંતા વધી ગઇ છે. કારણ કે, જો ભાજપ નેતાઓ દ્વારા એ દિવસે આંબેડકર જયંતિ ઉપલક્ષ્યમાં બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કે સુતરની આંટી પહેરાવી કોઇ કાર્યક્રમ આયોજન કરાય તો, દલિત નેતાઓ અને કાર્યકરો સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ શકે. આવી ઘટનાઓ સર્જાય તો પણ ભારે સંયમ અને શાંતિ જાળવવા અત્યારથી જ પોલીસ તંત્રને સૂચનાઓ આપી દેવાઇ છે. ખાસ કરીને રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ તા.૧૪મી એપ્રિલે તમામ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને તેમનું પોલીસ હેડકવાર્ટર નહી છોડવા અને એ દિવસે કોઇને પણ રજા નહી રાખવા કડક તાકીદ જારી કરી છે.