અમદાવાદ, તા.૨૬
નાણાંમંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં શ્રમ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ.૧૪૬૧ કરોડની જોગવાઈ કરાઇ હોવાનું જણાવાયું હતું. જેમાં રાજયમાં આઇટીઆઇ, નવા મકાનો, વર્કશોપ , થીયરીરૂમ અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા તેમજ તેને આધુનિક સાધનોથી સુસજ્જ કરવા જેવી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે રૂ ૨૬૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત એક લાખ એપ્રેન્ટિસોની ભરતી માટે રૂ.૯૨ કરોડની જોગવાઈ કરાઇ છે. ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશન મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને અન્ય કૌશલ્ય વિકાસ યોજનાઓના માધ્યમથી ૭૦ હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ કરાઇ છે. ખાસ કરીને યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા ભારત સરકાર દ્વારા સ્ટ્રાઈવ પ્રોજેકટ શરુ કરવામા આવ્યો છે . આ પ્રોજેકટમાં રાજયની કુલ ૩૦ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે રૂ.૩૩ કરોડની જોગવાઈ કરાઇ છે. નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ધોરણે રાજ્યમાં સ્કીલ ઇકો સિસ્ટમને મજબૂત કરવા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના માટે રૂ.૩૦ કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે.