મુંબઇ,તા.૪
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયાએ ખર્ચ ઘટાડવાનાં (કોસ્ટ કટિંગ) પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે, જેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ ચેમ્પિયનની ઇનામ રકમ ૨૦૧૯ની સરખામણીએ અડધી થઇ છે. બીસીસીઆઇએ તમામ ફ્રેન્ચાઈઝને એક સર્ક્યુલર મોકલ્યું છે, જેમાં જાણ કરવામાં આવી છે કે, “ચેમ્પિયન ટીમને ૨૦ કરોડની જગ્યાએ ૧૦ કરોડ રૂપિયા જ મળશે. તેમજ રનરઅપને ૧૨.૫ કરોડની જગ્યાએ ૬.૨૫ કરોડ રૂપિયા મળશે. જ્યારે બંને ક્વોલિફાયર હારનાર ટીમને ૪.૩૭૫ કરોડ રૂપિયા આપવામાં આવશે.
બીસીસીઆઇએ કહ્યું કે, બધી ફ્રેન્ચાઈઝ સારી પોઝિશનમાં છે. તેઓ સ્પોન્સરશિપ દ્વારા પોતાની આવક વધારી શકે છે. તેથી પ્રાઈઝ મની ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે સ્ટેટ એસોસિયેશનને આપવામાં આવતી રકમમાં કોઈ ફેરફાર થયો નથી. તેમને આઇપીએલની મેચો હોસ્ટ કરવા માટે ૧ કરોડ રૂપિયા આપવામાં આવશે, જેમાંથી ફ્રેન્ચાઈઝ અને બીસીસીઆઇ ૫૦-૫૦ લાખ રૂપિયાનું યોગદાન આપશે. તે ઉપરાંત બીસીસીઆઇના મીડ લેવલ એમ્પ્લોયને ૮ કલાકથી ઓછા ફ્લાઈંગ ટાઈમ વાળી ફ્લાઇટ માટે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરવા મળશે નહીં.