નવી દિલ્હી, તા.૩૦
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને આઈપીએલની ૧૨મી સિઝનના પ્લેઓફ મેચોની ટિકિટોના વેચાણથી ૨૦ કરોડ રૂપિયાની આવકની આશા છે. ગ્રુપ સ્ટેજમાં રમાયેલા મુકાબલાની ટિકિટોથી થતી આવક વિભિન્ન ફ્રેન્ચાઇઝીને આપવામાં આવે છે, જ્યારે અંતિમ ૪ મુકાબલાના પૈસા બોર્ડને આપવામાં આવે છે. આઈપીએલ-૧૨ની ફાઇનલ મેચ ૧૨ મેએ રમાશે, જે પહેલા પ્લેઓફ મેચ યોજાશે.
પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર, બીસીસીઆઈએ આઈપીએલની ૧૨મી સિઝન માટે જાહેર કરેલા બજેટમાં દર્શાવ્યું કે, ૨૦૧૮માં ટિકિટોના વેચાણથી જે આવક થઈ હતી તેનાથી આ વર્ષે ૨ કરોડનો વધારો થયો. ૨૦૧૮ આઈપીએલની ટિકિટોના વેચાણથી બોર્ડને ૧૮ કરોડ રૂપિયા મળ્યા હતા.
આ સિઝનની ફાઇનલ મેચ ૧૨ મેએ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ક્વોલિફાયર-૧ ચેન્નઈ અને ક્વોલિફાયર-૨ તથા એલિમિનેટર વિશાખાપટ્ટનમમાં આયોજીત કરવામાં આવશે. તમિલનાડુ ક્રિકેટ સંઘ (ટીએનસીએ)ને આઈ, જે અને કે સ્ટેન્ડની મંજૂરી ન મળી, જેથી ફાઇનલ મેચ હૈદરાબાદમાં આયોજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.