નવી દિલ્હી, તા.૩૦
કોરોના વાયરસના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝન નવા નિયમો સાથે રમાશે. આઈપીએલ ૧૩માં દર્શકોને જવાની મંજૂરી નહીં હોય. લીગમાં હિસ્સો લેનારા તમામ ખેલાડીઓનો બે સપ્તાહની અંદર ચાર વખત કોરોના ટેસ્ટ કરાશે. આ ઉપરાંત એવી પણ જાણકારી સામે આવી છે કે ડ્રેસિંગ રૂમની અંદર ૧૫થી વધારે ખેલાડીને રહેવાની મંજૂરી નહીં હોય. બીસીસીઆઈ બીજી ઓગસ્ટે તમામ ફ્રેન્ચાઇઝી સાથે આઈપીએલ-૧૩ની એસઓપી અંગે વાત કરી શકે છે. આઈપીએલ ૧૩ની તૈયારીને ધ્યાનમાં રાખી બીસીસીઆઈએ રવિવાર આઈપીએલ ગવર્નિગં કાઉન્સિલની બેઠક બોલાવી છે. બીસીસીઆઈ અધિકારીએ કહ્યું, ખેલાડી જ નહીં તેમની પત્ની, ગર્લફ્રેન્ડ, ટીમના માલિક તમામે બાયો સિક્યોર પ્રોટોકોલનું પાલન કરવું પડશે. બાયો સિક્યોર પ્રોટોકોલની પરિભાષા ટૂંક સમયમાં જાહેર કરાશે. કોઈને પણ બાયો સિક્યોર પ્રોટોકલ તોડવાની મંજૂરી નહીં હોય. ખેલાડીઓ સાથે તેમની પત્ની અને ગર્લફ્રેન્ડ યુએઈ જશે કે નહીં તે ફ્રેન્ચાઇઝી નક્કી કરશે. બીસીસીઆઈ આ મુદ્દે કોઈ દખલગીરી નહીં કરે. પરંતુ તમામ પર બાયો સિક્યોર પ્રોટોકોલ લાગુ થશે. બીસીસીઆઈ પહેલા જ યુએઈ ક્રિકેટ બોર્ડને આઈપીએલના આયોજનને લઈ લેટર ઓફ ઈંટેટ આપી ચુક્યું છે. જોકે, આઈપીએલના આયોજનને ભારત સરકારની મંજૂરી મળવાની બાકી છે.