નવી દિલ્હી, તા.૨૩
કોરોનાના કાળ વચ્ચે દુનિયાની પ્રમુખ ક્રિકેટ ટુર્નામેન્ટ્‌સમાંથી એક ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને લઈ છેલ્લા ઘણા સમયથી મૂંઝવણ યથાવત્‌ છે. પરંતુ હવે એશિયા કપ અને ટી-૨૦ વર્લ્ડ કપના રદ થયા બાદ આઈપીએલના આયોજન માટે માર્ગ સાફ થયો હોય એમ લાગી રહ્યું છે. ત્યારે હવે આઈપીએલને લઈ વધુ એક મોટા સમાચાર આવ્યા છે.
એશિયા કપ અને ટી૨૦ વર્લ્ડ કપ રદ થતા આઈપીએલ માટે દરવાજો ખુલ્યા બાદ હવે ફેન્સના મનમાં સવાલ છે કે આઈપીએલનું આયોજન ક્યારે અને ક્યાં થશે ? પરંતુ હવે આ અંગે એક મોટો સમાચાર આવ્યા છે. મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રો મુજબ આઈપીએલ ૨૦૨૦ની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી થઈ શકે છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ટુર્નામેન્ટ ૨૬ સપ્ટેમ્બરથી શરૂ થશે. પરંતુ હવે આ ટુર્નામેન્ટ એક સપ્તાહ પહેલા શરૂ કરવામાં આવી શકે છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૦ના મેચ સાંજે ૭.૩૦ વાગેથી શરૂ થઈ શકે છે. ભારતમાં આ મેચ ૮ વાગેથી શરૂ થાય એવી સંભાવના છે. આ વખતે આઈપીએલ યુએઈમાં આયોજીત થશે એવા અહેવાલ છે. જેના કારણે સમયમાં ફેરફાર થવાની શક્યતાઓ છે.