નવી દિલ્હી, તા.૩૦
આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ થવાનો હતો પરંતુ કોરોના સંકટના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ ટુર્નામેન્ટને રદ કરવામાં આવી છે. આઈસીસીના આ નિર્ણય બાદ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગનો માર્ગ સાફ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે આઈપીએલ યુએઈમાં આયોજીત થશે. જેની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી થશે. રિપોર્ટ પ્રમાણે પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આઈપીએલની ફાઇનલ મેચ ૮ નવેમ્બરે રમાશે. પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે ફાઈનલ મેચની તારીખમાં ફેરફાર થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ટુર્નામેન્ટ શરૂ થવાની તારીખમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ફાઇનલ મેચ ૮ની જગ્યાએ હવે ૧૦ નવેમ્બરે રમાશે. જો એવું થશે તો આ ટુર્નામેન્ટ ૫૧ની જગ્યાએ ૫૩ દિવસની થશે. હાલ આ અંગે ચર્ચા થઈ રહી છે અને અપેક્ષા છે કે અંતિમ નિર્ણય ૨ ઓગસ્ટના રોજ થનારી આઈપીએલ ગર્વનિંગ કાંઉસિલ બેઠકમાં લેવામાં આવશે. પહેલા એવા સમાચાર હતા કે બ્રોડકાસ્ટર નિર્ધારિત કરેલ શેડ્યુલથી વધુ ખુશ નથી અને તેમણે શેડ્યુલને લઈ વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ ઈચ્છે છે કે આઈપીએલ બાદ ખેલાડી ઘરે જવાની જગ્યાએ સીધે ઓસ્ટ્રેલિયા માટે રવાનગી કરે. તેથી આ ફેરફાર કરવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.