વડોદરા, તા.૬
શહેરના એડવોકેટ મુકુંદ એમ.શાહ વેપારી પાસેથી ઈન્કમટેક્ષ ઓફિસમાં વહીવટ કરવાના નામે ૬ લાખની લાંચ લેતા ઝડપાતા ખડભળાટ મચી ગયો હતો. એસીબીએ લાંચ લેનારા મુકુંદ શાહને ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.
એસીબીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શહેરના માંડવી રોડ પર રહેતા ઈલેક્ટ્રિકના વેપારીએ વર્ષ ર૦૧ર-૧૩માં ૪૩ લાખ ૭પ હજારની કિંમતમાં એક પ્રોપર્ટી ખરીદી હતી. જો કે, તેણે ર૦૧૩-૧૪માં ઈન્કમટેક્ષમાં રિટર્ન ભર્યું ન હતું જેથી તેને આઈટી વિભાગ તરફથી નોટિસ મળી હતી. આઈટીની નોટિસ મળતાં કાર્યવાહી માટે તેમણે કિર્તીસ્તંભ રોડ પર ગીરધર કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા એડવોકેટ મુકુંદ એમ.શાહનો સંપર્ક કર્યો હતો. એડવોકેટ મુકુંદ શાહે નોટિસ જોતાં આઈટી વિભાગમાં સેટલમેન્ટ કરવા તથા બધાનો વહીવટ કરવો પડશે તેમ જણાવી વેપારી પાસેથી ૧પ ટકા લેખે ૬ લાખની માંગ કરી હતી. ૬ લાખની માગણી સાંભળી વેપારી મૂંઝાઈ ગયા હતા જેથી તેમણે સોમવારે નર્મદા ભુવન સ્થિત એસીબીની કચેરીમાં આવીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ વેપારીએ મુકુંદ શાહનો સંપર્ક કરતા તેમણે સાંજના સમયે તેમની ઓફિસમાં પૈસા આપવા આવવા જણાવતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. વેપારી પાસેથી ૬ લાખ લેતાં જ એસીબીએ તેમને ઝડપી લીધા હતા. એડવોકેટ મુકુંદ શાહે આઈટી વિભાગમાં બધાને વહીવટ કરવો પડશે તેમ જણાવી સેટલમેન્ટ માટે ૬ લાખ માંગ્યા હતા જેથી તેઓ આઈટી વિભાગના કયા અધિકારી સાથે સંપર્ક ધરાવે છે અને કોની સાંઠગાંઠમાં આ પ્રકારે લાંચ માંગવામાં આવી હતી તેની તપાસ એસીબીએ શરૂ કરી હતી.