લંડન, તા.ર૦
આઈપીએલના સ્થાપક લલિત મોદીનું માનવું છે કે એક દિવસ એવો પણ આવશે જ્યારે ખેલાડીઓને પ્રતિ મેચ દસ લાખ ડૉલર (૬.૬ કરોડ રૂપિયા) સુધી મળશે પણ દેશો વચ્ચે પારંપરિક ક્રિકેટ સમાપ્ત થઈ જશે. લલિત મોદીએ બ્રિટનના ડેઈલી ટેલિગ્રાફમાં છપાયેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આઈપીએલ લાંબા સમય સુધી ચાલશે તે વિશ્વની સૌથી પ્રભાવશાળી સ્પોર્ટસ લીગ છે. આઈપીએલ ટીમો પાછળ ધનવાન બિઝનેસમેનો છે અને ભારતમાં ક્રિકેટને લઈ ઝનૂન સાથે પ્રાયોજકો અને પ્રસારકો માટે લોભામણી લીગ બનાવે છે. આઈપીએલ ટીમોને ભારતના ધનવાન બિઝનેસમેનો ચલાવી રહ્યા છે. વિશ્વની બીજી સૌથી મોટી વસ્તીવાળા આ દેશ ક્રિકેટનો દીવાનો છે. આવામાં બ્રોડકાસ્ટ અને સ્પોન્સર્સ માટે આ ઘણી આકર્ષક છે. મોદીએ કહ્યું કે તમે જોશો કે ખેલાડીઓને એક મેચ માટે ૬.૬ કરોડ રૂપિયા સુધી મળશે. આવુ ખૂબ જ જલ્દી થવાનું છે. મુક્ત બજારમાં તે જ જીતશે જેની પાસે ધન હશે. ખેલાડીઓ તે જ ફ્રેન્ચાઈઝી માટે રમવાનું પસંદ કરશે જે તેને વધારે નાણાં આપશે.