નવી દિલ્હી, તા. ૧૫
આઈપીએલમાં બે વર્ષ બાદ પુનરાગમન કરી રહેલ ચેન્નાઈ સુપરકિંગ્સ અને ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ લીગની ૧૧મી ટુર્નામેન્ટની શરૂઆત કરશે પ્રથમ મેચ સાત એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ વેબસાઈટ પર જાહેર કાર્યક્રમ અનુસાર ૪૮ મેચ રાત્રે રમાશે જ્યારે ૧ર મેચ બપેારે રમાશે. ઉદ્‌ઘાટન સમારોહ ૬ એપ્રિલે મુંબઈમાં થશે. આઈપીએલ સંચાલન પરિષદે ગત મહિને મેચોના સમયમાં ફેરફારનો પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટસનો આગ્રહ સ્વીકાર કરી લીધો હતો. સ્ટાર સ્પોર્ટ્‌સની ભલામણ હતી કે બપોર બાદ ચાર વાગે રમાનારી મેચ સાંજે સાડાપાંચ વાગે જ્યારે રાત્રે આઠ વાગે રમાનારી મેચ સાત વાગે રમાશે. જો કે ફ્રેન્ચાઈઝીઓના એક વર્ગે સમય બદલવાની ફરિયાદ કરી હતી. બીસીસીઆઈએ મેચના સમયને લઈ યથાસ્થિતિ જાળવી રાખી છે. રાજસ્થાન રોયલ્સની ટીમ પણ બે વર્ષ બાદ પુનરાગમન કરી રહી છે અને પોતાના અભિયાનની શરૂઆત નવ એપ્રિલે હૈદરાબાદ વિરૂદ્ધ કરશે.