અમદાવાદ,તા.૨૯
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા(આઇસીએઆઇ) દ્વારા નવેમ્બર-૨૦૧૭માં લેવામાં આવેલી સીએ આઇપીસીઇ કોર્સના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ કેન્દ્રનો જય ધર્મેન્દ્રભાઇ શેઠ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે આવ્યા છે. અમદાવાદના આઠ વિદ્યાર્થીઓ ટોપ ફીફ્ટીમાં સ્થાન પામતાં શહેરના આ વિદ્યાર્થીઓએ દેશભરમાં અમદાવાદનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે એમ અત્રે આસીએઆઇની ડબલ્યુઆઇઆરસીની અમદાવાદ બ્રાંચના ચેરમેન સીએ ચિંતન શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવેમ્બર-૨૦૧૭માં લેવાયેલી સીએ આઇપીસીઇ કોર્સની પરીક્ષામાં અમદાવાદ સેન્ટરમાંથી એક ગ્રુપ અને બંને ગ્રુપમાં કુલ ૧૬૦૬ વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ૪૭૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જે ૨૯.૭૦ ટકા પરિણામ દર્શાવે છે. ગ્રુપ વનમાં ૧૪૧૨ વિદ્યાર્થીઓમાંથી ૨૨૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે, ગ્રુપ ટુમાં ૧૮૫૩ વિદ્યાર્થીઓમાંથી ૩૮૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સીએ આઇપીસીઇ કોર્સના અમદાવાદ સેન્ટરમાંથી ટોપ ૫૦માં કુલ આઠ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, તે ગૌરવની વાત છે. નવેમ્બર-૨૦૧૭માં લેવાયેલી આ પરીક્ષાના સમગ્ર દેશના પરિણામો જોઇએ તો, એક ગ્રુપ અને બંને ગ્રુપમાં કુલ ૪૯૨૧૫ વિદ્યાર્થીઓ બેઠા હતા, તેમાંથી ૧૩૧૪૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે ૨૬.૭૨ ટકા પરિણામ દર્શાવે છે, ગ્રુપ વનમાં ૭૨૧૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તે પૈકી ૧૦૦૪૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ૧૩.૯૨ ટકાવારી દર્શાવે છે. જયારે ગ્રુપ ટુ માં ૬૫૩૯૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ૨૦.૩૮ ટકાવારી દર્શાવે છે. આમ, સીએ આઇપીસીઇ કોર્સમાં અમદાવાદ સેન્ટરના વિદ્યાર્થીઓએ તેમનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.