દુબઈ, તા.૨
આઈસીસીએ ડકવર્થ-લૂઈસ નિયમમાં અને તેની આચારસંહિતાના નિયમમાં ફેરફાર કર્યો છે, જે હાલ રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની શ્રેણીથી અમલમાં આવી ગયો છે. આ ફેરફાર ૨૦૧૪માં પ્રથમ વખત આવેલા ડીએલએસનું ત્રીજું વર્ઝન છે, જેને બીજી વખત નવું રૂપ આપવામાં આવ્યું છે.આ અગાઉ ડીએલએસને ડીએલના નામથી ઓળખવામાં આવતું હતું. આનો અર્થ એ છે કે, આ વિશ્લેષણ ૭૦૦ વન-ડે, ૪૨૮ ટી-૨૦ મેચની જાણકારી પર આધારિત હશે. હાલના વિશ્લેષણનો મતલબ એ છે કે, ટીમે લાંબા સમય માટે પોતાની રન બનાવવાની ઝડપને ફાસ્ટ કરવી પડશે.સાથે સાથે વન-ડેમાં એવરેજ પણ વધારવી પડશે. આનો અર્થ એવો થાય છે કે બેટિંગ કરનાર ટીમને ઇનિંગ્સની અંતિમ ઓવરોમાં પોતાના રન બનાવવાની ઝડપ વધારવી પડશે.આ નવા ફોર્મેટને લાવ્યા પહેલા વન-ડે (અંતિમ ૨૦ ઓવર) અને ટી-૨૦માં રન બનાવવાની પેટર્ન પણ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં પુરુષ અને મહિલા ક્રિકેટની અલગ-અલગ સ્કોરિંગ પેટર્ન પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ સિવાય આઈસીસીએ પોતાની આચારસંહિતામાં કેટલાક નવા ગુનાને સ્થાન આપ્યું છે.
આ યાદીને બે જુલાઈએ ડબલિનમાં યોજાયેલી આઈસીસીની વાર્ષિક બેઠકમાં મંજૂરી મળી હતી. લેવલ-૩ના ઉલ્લંઘન બદલ લગાવવામાં આવતા ૮ પ્રતિબંધિત પોઇન્ટને હવે વધારીને ૧૨ કરવામાં આવ્યા છે.