નવી દિલ્હી, તા.૧૯
સૌરવ ગાંગુલીના જીવનની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. એક ક્રિકેટર તરીકે તેણે મેદાનમાં આક્રમક બેટિંગ દ્વારા કમાલ કરી હતી, ક્યારેક તે બોલિંગથી પણ ટીમને સફળતા અપાવતો હતો તો કેપ્ટન બન્યા બાદ તેણે ભારતીય ક્રિકેટની સિકલ બદલી નાખી હતી. તેની કપ્તાની દરમિયાન હરીફ ટીમ નિરાશ થતી રહેતી હતી કેમ કે ભારતના વિજયની ટકાવારી તે વખતથી જ વધવા લાગી હતી. તેણે ટીવી કોમેન્ટેટર તરીકે અને બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ જવાબદારી સફળતાથી અદા કરી હતી.
સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે બીસીસીઆઇનું સુકાન સંભાળ્યું અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ તેણે બોર્ડનું સંચાલન સરળતાથી કર્યું છે. હવે ગાંગુલી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેનપદ માટેનો દાવેદાર મનાય છે. હવે એવા અહેવાલ છે કે વિશ્વક્રિકેટની મહાસત્તા આઇસીસીના વડા બનવાની રેસમાં તે ઘણો આગળ નીકળી ગયો છે. ગાંગુલીનો માર્ગ મોકળો બન્યો છે કેમ કે આ હોદ્દા માટે તેના કટ્ટર હરીફ પાકિસ્તાન ક્રિકેટના અહેસાન મની હતા. અહેસાન મનીએ આઇસીસીના ચેરમેનપદ માટે દાવેદારી નહીં નોંધાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આમ સૌરવ ગાંગુલી આ હોદ્દા માટે મજબૂત દાવેદાર બની ગયો છે.