દુબઈ, તા.૮
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ૮૯૧ પોઇન્ટ સાથે આઈસીસી બેટ્‌સમેન વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને વિરાજમાન છે. જો કે, ઉપક્પ્તાન રોહિત શર્મા તેનાથી માત્ર ૬ પોઇન્ટ પાછળ છે. રોહિત માટે આ વર્લ્ડ કપ યાદગાર રહ્યો છે. તેણે ૮ ઇનિંગ્સમાં ૫ સદી સહિત ૯૨.૪૨ની એવરેજથી ૬૪૭ રન કર્યા છે. વર્લ્ડ કપ શરૂ થયો તે પહેલા કોહલી અને રોહિત વચ્ચે ૫૧ પોઇન્ટનો અંતર હતો. પર્પલ પેચમાં ચાલતા રોહિતે ૮ મેચમાં કોહલી કરતાં ૪૫ પોઇન્ટ વધુ મેળવ્યા છે અને વધુ એક સારી ઇનિંગ્સ તેને વર્લ્ડનો નંબર ૧ બેટ્‌સમેન બનાવી દેશે.
પાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા સ્થાન છે, જ્યારે દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર જે વર્લ્ડ કપ પહેલા ત્રીજા સ્થાને હતો તે પાંચમાં ક્રમે આવી ગયો છે. જ્યારે ટેલરનો કેપ્ટન કેન વિલિયમ્સન ૪ સ્થાનના ફાયદા સાથે ૮માં ક્રમે છે.
એક વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહેનાર ડેવિડ વોર્નરનો ફરીથી ટોપ-૧૦ બેટ્‌સમેનમાં સમાવેશ થયો છે. તેણે ૯ મેચમાં ૭૯.૭૫ની એવરેજથી ૬૩૮ રન કર્યા છે. ટૂર્નામેન્ટમાં સેકન્ડ હાઈએસ્ટ રન સ્કોરર વોર્નર છઠા ક્રમે છે. બોલરોમાં બુમરાહ ૮૧૪ પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. જ્યારે બોલ્ટ (૭પ૮) બીજા, કમિન્સ (૬૯૮) ત્રીજા, રબાડા (૬૯૪) ચોથા અને ઈમરાન તાહીર (૬૮૩) પાંચમાં સ્થાને છે.