અમદાવાદ,તા.રર
શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇનફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના આશયે દર્દીને દાખલ કરાય છે. જેના કારણે ખુદ દર્દીનું જીવન અને હોસ્પિટલમાં સારવારગ્રસ્ત અન્ય દર્દીઓના જીવન જોખમમાં મૂકાઇ રહ્યા છે. આ મામલે ભારે ઊહાપોહ ઊઠતાં છેવટે તંત્રએ ગઇ કાલે પ૦ હોસ્પિટલમાં તપાસ કરી તે પૈકી સાત હોસ્પિટલને નોટિસ ફટકારી છે. જો કે, સત્તાવાળાઓએ જો આવી હોસ્પિટલ નોટિસની અવગણના કરીને આઇસોલેશન વોર્ડ વગર દર્દીની સારવાર ચાલુ રાખશે તો તેને તાળાં મારી દેવાની ચીમકી પણ આપી છે.
તંત્ર દ્વારા ગઇકાલે પશ્ચિમ ઝોનની ત્રણ, ઉત્તર,પશ્ચિમ ઝોનની બે, દક્ષિણ પશ્ચિમ ઝોનની એક સહિત કુલ પ૦ ખાનગી હોસ્પિટલમાં સ્વાઇનફલૂના દર્દીને અપાતી સારવારના મામલે તપાસ હાથ ધરાઇ હતી. જેમાં પાલડીની એમ્સ હોસ્પિટલને મહિલાનાં મોતની જાણ તંત્રને ન કરવાના તેમજ અન્ય છ હોસ્પિટલને ઉપયોગમાં લેવાયા વગર પડી રહેલાં વેન્ટિલેટર સહિતનાં કારણસર નોટિસ ફટકારાઇ હતી.
જો કે, પૂર્વ અમદાવાદ કરતાં પશ્ચિમ અમદાવાદમાં સ્વાઇનફલૂના દર્દીની સારવારમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇનનું પાલન નહીં કરતી ખાનગી હોસ્પિટલનું પ્રમાણ વધારે હોવા છતાં હેલ્થ વિભાગ પશ્ચિમ અમદાવાદમાં તપાસના મામલે હજુ સુધી નિષ્ક્રિય જ છે તેવી ચર્ચા ઊઠી છે.
દરમ્યાન હેલ્થનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડૉ.કુલદીપ આર્યાને તંત્રની ફક્ત નોટિસ આપવા પૂરતી કરાયેલી કાગમીરી અંગે પૂછતાં તેઓ કહે છે, જે તે હોસ્પિટલને તાકીદ કરાઇ છે.