વડોદરા,તા.૯
ગુજરાત સરકારમાં આઉટ સોર્સિંગના નામે કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. જેની સાથે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ ચાલી રહ્યો છે. તેની સીબીઆઈ તપાસ કરવાની માંગણી ગુજરાત કર્મચારી સંકલન સમિતિના કન્વીનર દિનેશ દેવમુરારી ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી ઠાકોર સોલંકી તેમજ અન્ય સભ્યોએ એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આવેદનપત્રમાં કર્મચારી મંડળોના આગેવાનોએ જણાવ્યું છે. કે ગુજરાત સરકારમાં આઉટસોર્સિંગમાં ચાલતા ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસ કરાવી ગુનેગારોને કડક અને સખત સજા થવી જોઈએ. ગુજરાત સરકારમાં વિવિધ વિભાગોમાં આશરે ૭-૮ લાખથી વધુ કર્મચારીઓને જુદી જુદી એજન્સીઓ દ્વારા આઉટ સોર્સિંગ દ્વારા નોકરીમાં રાખી આર્થિક શોષણ કરવામાં આવે છે. આશરે ૧ર૦૦ કરોડમાં સરકાર દ્વારા એજન્સીઓને કામ સોંપવામાં આવ ેછે. જેનો સરકારના કાયદા મુજબ લઘુતમ વેતન પણ ચુકવવામાં આવતું નથી કે સરકાર દ્વારા તેમને નિર્ધારીત કરેલ પગાર પણ ચુકવાતો નથી. અડધાથી પણ ઓછા પગાર ચુકવી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. રાજય સરકારમાં કામ કરવા આવતા કર્મચારીઓનું શોષણ કરી ભ્રષ્ટાચાર આચરાતો હોય તો તે અત્યંંત શરમજનક બાબત છે. આનાથી એવું સાબિત થઈ રહ્યું છે કે સરકારે જ ભ્રષ્ટાચાર માટે દરવાજા ખોલી દીધા છે. આ ભ્રષ્ટાચારની બહાર આવેલ હકીકતનો વિરોધ કરીને આ ભ્રષ્ટાચારીઓને કડક અને સખત સજા કરવા માટે તથા વર્ષોથી આર્થિક શોષણના ભોગ બનેલા કર્મચારીને ન્યાય મળે તે જરૂરી છે.