(એજન્સી) મુંબઈ, તા.૧૦
અંબાણી પરિવારમાં નવા મહેમાનનું આગમન થયું છે. મુકેશ અંબાણીના પુત્રવધૂ શ્લોકા અંબાણીએ આજે સવારે ૧૧ વાગ્યે મુંબઈમાં દીકરાને જન્મ આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્લોકા અને બાળકની તબિયત સારી છે. અંબાણીના મોટા દીકરા આકાશના શ્લોકા મહેતા સાથે ૯ માર્ચ ૨૦૧૯ના રોજ લગ્ન થયા હતા. મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી રિલાયન્સ જિયોની એક્ઝિક્યુટિવ કમિટિના મેમ્બર છે, અને તેઓ કંપનીના ડિરેક્ટર હોવાની સાથે હેડ ઓફ સ્ટ્રેટેજીની પણ જવાબદારી સંભાળે છે. તેઓ રિલાયન્સ સાથે ૨૦૧૪માં જોડાયા હતા. આકાશ અંબાણી પ્રોડક્ટ ડેવલપમેન્ટ, મેસેજિંગ એન્ડ ચેટ તેમજ અન્ય ડિજિટલ સર્વિસનું કામકાજ જુએ છે. આ સિવાય આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેનેજમેન્ટમાં પણ તેમની સક્રિય ભૂમિકા છે. તેમણે બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સમાં બ્રાઉન યુનિ.માંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે. આકાશ અને શ્લોકાના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નોમાંના એક હતા, જેનું આયોજન રાજસ્થાનના ઉદયપુરમાં રજવાડી ઠાઠ સાથે કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં માત્ર દેશના જ નહીં, પરંતુ વિદેશના પણ અનેક મહાનુભાવો મહેમાન બન્યા હતા, અને તેનું ભવ્ય આયોજન આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું હતું. મુકેશ અંબાણીને ત્રણ સંતાન છે. જેમાં આકાશ અને ઈશા જુડવા ભાઈબહેન છે, જ્યારે સૌથી નાના દીકરાનું નામ અનંત છે. આકાશ અને ઈશા પરણી ચૂક્યા છે, અને અનંતના લગ્ન બાકી છે. ઈશા અંબાણીના લગ્ન પિરામલ ગ્રુપના ચેરમેનના દીકરા આનંદ પિરામલ સાથે ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ થયા હતા. રિલાયન્સ ગ્રુપ હાલના સમયમાં ટેલીકોમ, ડેટા તેમજ રિટેઈલ સેક્ટરમાં પોતાનો પગપેસારો કરી રહ્યું છે, અને કંપનીના આ બિઝનેસમાં પાછલા કેટલાક મહિનામાં ફેસબુક, ગૂગલ સહિતના દેશવિદેશના મોટા-મોટા રોકાણકારોએ જંગી રોકાણ કર્યું છે. લોકડાઉન દરમિયાન થયેલા આ રોકાણથી રિલાયન્સનો શેર પણ જોરદાર ઉછળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીએ તાજેતરમાં જ આવતા વર્ષના મધ્યમાં ફાઈવ જી લોન્ચ કરવાની પણ જાહેરાત કરી હતી. રિલાયન્સના શેરમાં આવેલા ઉછાળાથી મુકેશ અંબાણીની વેલ્થમાં પણ જોરદાર વધારો થયો છે. તેમની ગણતરી દેશના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે થાય છે, જ્યારે નવેમ્બરના આંકડા અનુસાર તેઓ દુનિયાના નવમા સૌથી ધનવાન વ્યક્તિ હતા. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ૨ નવેમ્બરના રોજ મુકેશ અંબાણીની નેટવર્થ ૭૧.૫ બિલિયન ડોલર હતી. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનામાં જ રિલાયન્સના શેરમાં કડાકો બોલાતા અંબાણીની નેટવર્થ ઘટી હતી.