નવસારી,તા.૨૪
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન કર્યું છે અને છેવટે ભારત માલા પ્રોજેક્ટ સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે ખેડૂતોમાં રાહત થવા પામી છે. અહીં નોંધનિય છે કે, આ પ્રોજેક્ટના વિરોધ માટે આજે નવસારીના વાસદા ખાતે ખેડૂતો આદિવાસીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ પ્રોજેક્ટ સ્થગિત કરી દેવાતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
મુખ્યમંત્રીના નિવેદનને આવકારતાં ભારત માલા પ્રોજેક્ટના વિરોધ કર્તા નેતા અનંતભાઇ કહ્યું કે, મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ પડતો મુક્યો એ માટે એમનો આભાર. આ પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન હતું. જે અમે અટકાવ્યું છે. જો મુંબઇ દિલ્હી કોરીડોર નાંખવામાં આવશે તો એનો પણ વિરોધ કરાશે. અમારી જમીન એ અમારી મા છે. અમે અમારી જમીનથી જ આગળ આવ્યા છીએ. અમે એના પર કોઇ જોહુકમી થવા નહીં દઇએ.
અહીં નોંધનિય છે કે, આ પ્રોજેક્ટથી ૭૪ જેટલા ગામોને અસર થવાની દહેશતે આ વિસ્તારના ખેડૂતો, આદિવાસીઓમાં ભારે કચવાટ પ્રસર્યો હતો અને આ મામલે વિરોધ પ્રદર્શિત કરવા માટે આજે વિશાળ રેલી નીકળી હતી.