અમદાવાદ,તા.૧પ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વાટ વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં ૧૦૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જલાલપોરમાં સાડા ચાર ઈંચ જ્યારે સુરતમાં ચાર ઈંચ ઉપરાંત તાલુકાઓમાં ર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તો અન્ય સ્થળોએ સામાન્યથી એક ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે બંગાળની ખાડી અને ઓરિસ્સામાં અપર એેર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. ૧૬ જુલાઈ સુધી આ સરક્યુલેશન ગુજરાત પહોંચી લો-પ્રેશરમાં પરિવર્તિત થઈ મોનસૂન ટ્રફ જમીન તરફ આવશે. જેને પગલે આવતી કાલથી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બુધવારે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બોટાદ અને વીરપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગોંડલ, ભાવનગર અને મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ પંથકમાં પણ વરસાદી માહોલ ઊભો થયો છે. સિહોર ગ્રામ્ય પંથકમાં વરસાદને પગલે મેઘવદર ગામે ધોધમાર વરસાદ વરસતા નદીમાં પૂર આવ્યું છે. ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વળી ગીર-સોમનાથ અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. અમરેલી, ખાંભા, બાબરા અને રાજુલા પંથકમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો છે. બીજી તરફ સૌરાટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે. વલસાડના ઉંમરગામમાં ર ઈંચ, વાપીમાં ૧૩ મિમિ, જબાલપોર અને નવસારીમાં ૧૦ મિમિ, ગણદેવીમાં ૭ મિમિ અને કપરાડામાં પ મિમિ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય કેટલાક સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. બીજી તરફ આવતીકાલથી રાજ્યમાં ઊભું થનારું લો-પ્રેશર અને તેની અસરથી મોન્સૂન ટ્રફ ભારેથી અતિ ભારે વરસાદ ખેંચી લાવશે. જેમાં નવસારી, વલસાડ, સુરત, દમણ, દાદરાનગર હવેલી, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ભરૂચ, બનાસકાંઠા, ડાંગ અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. જ્યારે અન્ય સ્થળોએ પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. આમ આવતીકાલથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જમાવટ કરે તેવી શક્યતા છે.