(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
હાલ શિયાળાના સમયમાં આજવાની સપાટી ૨૦૫ ફૂટે પહોંચી છે. સામાન્ય રીતે ઉનાળામાં આજવાની આ સપાટી ઘટતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે શિયાળામાંજ આજવામાં પાણીનું જળસ્તર નીચે જવા લાગતા આગામી દિવસોમાં શહેરમાં ગંભીર પાણીની કટોકટી સર્જાશે તેવી ચેતવણી કોંગ્રેસનાં કાઉન્સીલરે સમગ્ર સભામાં આપી હતી.
ચિરાગ ઝવેરીએ રજૂઆત કરી હતી કે, અગાઉના દિવસોમાં આજવામાંથી દૈનિક ૫૫૦ એમએલડી પાણી લેતા હતા. તેના બદલે હાલ ૪૮૦ એમએલડી પાણી મળી રહ્યું છે. આમ દૈનિક ૭૦ એમએલડી ઓછુ પાણી આપણને આજવામાંથી મળી રહ્યું છે. હાલ ઠંડી હોઇ પાણીનો વપરાશ ઓછો હોવાના કારણે લોકોને મળી રહેલ ઓછા પાણી અંગેનો ખ્યાલ આવી રહ્યો નથી. પરંતુ ઉનાળામાં કપરી પરિસ્થિતી થવાની છે. લોકો પાણી માટેની બુમો પાડવાના છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, આપણે હાલ ખાનપુર ખાતેથી પાણી લઇએ છીએ ત્યાં ૭૫ની જગ્યાએ ૫૦ એમએલડી પાણી આપવામાં આવ્યું છે તો બીજી તરફ નર્મદા નદી પણ સુકાવવા લાગી છે. મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં નર્મદામાં પાણીની સપાટી હજુ ઘટે તો રાજ્ય સરકાર વડોદરાને નર્મદામાંથી અપાતું પાણી ઓછું કરે અથવા બંધ પણ કરી દે. આ પરિસ્થિતિમાં કાઉન્સીલરોને ત્યાં રજૂઆત કરવા લોકટોળા ઉમટવાના છે. સામાન્ય રીતે માંજલપુર ટાંકીમાં સવારે ૯ વાગે સંપનું લેવલ ૧૫ ફૂટ હોય તે બાદ પાણી છોડવામાં આવે તો બધાને યોગ્ય પ્રેશરથી પાણી મળે. પરંતુ હાલ સંપનું લેવલ વધતું નથી અને ૧૧ ફૂટે પાણી થાયને પુરવઠો આપવામાં આવે છે જેથી ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાની અનેક લોકોની બૂમો ઉઠી છે. તો બીજી તરફ તરસાલીમાં પણ છેલ્લાં કેટલાક દિવસથી ચીકણું પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ છે. આ તમામ બાબત આગામી દિવસોમાં વડોદરામાં ગંભીર જળ સંકટ સર્જાશે તેમ તેમણે કહ્યું હતું. પાલિકાનું તંત્ર શહેરીજનો માટે નવા સ્ત્રોત ઊભા કરવામાં નિષ્ફળ નિવડ્યું છે. જેના કારણે આપણે પાણી માટે બીજા પર આધાર રાખવો પડી રહ્યો છે.