પાટણ, તા.૧૦
પાટણ નગરપાલિકાની સંભવિત આગામી નવેમ્બર માસમાં યોજાનાર ચૂંટણીઓને અનુલક્ષી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ૧૧ વોર્ડની બેઠક ફાળવણીનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કુલ ૪૪ બેઠકોમાંથી રર બેઠકો સ્ત્રીઓ માટે, અનુસૂચિત જાતિ માટે ૪ બેઠકો અનામત તેમાંથી બે બેઠકો સ્ત્રીઓ માટે, અનુસૂચિત આદિજાતીની સ્ત્રી માટે એક બેઠક અનામત, જ્યારે પછાત વર્ગ માટે ૪ બેઠકો અનામત પૈકી બે બેઠકો સ્ત્રીઓ માટે જાહેર કરી છે. ગત ર૦૧પની ચૂંટણીમાં વોર્ડ નં.૧૦ની અનુસૂચિત આદિજાતિ બેઠકને વોર્ડ નં.૩માં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠક તરીકે ફેરબદલી કરી ફાળવણી છે. જેને લઈ વોર્ડ નં.૧૦ની ત્રણ બેઠક સામાન્ય બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં.૧૦માં પછાત અને મુસ્લિમ મતદારોની બુહમતી હોવા છતાં સીમાંકનમાં વિસંગતતાઓ ઊભી કરી ગત ચૂંટણીમાં અનુસૂચિત આદિજાતિની બેઠક ફાળવવામાં આવી હતી. જે મામલે સામાજિક કાર્યકર મોહમ્મદ ઈદ્રીશ શેખ ઉર્ફે રાજાએ આ બેઠકની ફેરબદલી કરવા રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત સાથે હાઈકોર્ટમાં રીટ પિટીશન પણ કરી હતી. નગરપાલિકાની ૪૪ બેઠકો પૈકી એક માત્ર વોર્ડ નં.૧૦ની અનુસૂચિત આદિજાતિ બેઠકની ફેરબદલી કરી આ બેઠક વોર્ડ નં.૩માં મહિલા માટે ફાળવવામાં આવી છે. જ્યારે વોર્ડ નં.૩ની સામાન્ય મહિલા બેઠકને વોર્ડ નં.૧૦માં ફાળવી છે. જ્યારે અન્ય બેઠકોની ફાળવણી વર્ષ ર૦૧પની ચૂંટણીના સીમાંકન મુજબ યથાવત રાખી છે.