અમદાવાદ, તા.૧૩
રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છને બાદ કરતાં હજુ ચોમાસું બરાબર જામ્યું નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં અનેક સ્થળોએ હળવાથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પંથકમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સોમવારે મેઘાએ જોરદાર બેટીંગ કરી હતી. જેમાં ગીર-સોમનાથના ગીરગઢડા પંથકમાં ૩ કલાકમાં ૩ ઈંચ જ્યારે ઉના તાલુકામાં ૪ કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી જ પાણી થઈ ગયું હતું. ગીરગઢડાના ખીલાવડ ગામે પુલ પરના પૂરના પાણીમાં કાર તણાઈ હતી. જેમાં કાર ચાલકનો બચાવ થઈ ગયો હતો.
રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે ત્યારે ૧૪ જુલાઈ અને ૧પ જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ-દમણમાં ૪૦ કિમીની ઝડપ પવન સાથે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ૧૬થી ૧૮ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ સહિતના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ સહિતના વિસ્તારમાં થતા વડોદરા અને ભરૂચમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસ હળવોથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીરગઢડા, સાવરકુંડલા, ખાંભા સહિતના વિસ્તારોમાં ભારેથી ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ર ઈંચ, ખાંભા, ગીરગઢડા અને સુરતમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બારડોલી, ઉમરગામ, વિસનગર, કડાણા, પોશીના, કામરેજ, સુરતના માંગરોળ, બનાસકાંઠાના દાંતામાં પણ વરસાદ નોંધાયો છે.