અમદાવાદ, તા.૨૩
અષાઢ મહિનો પૂરો થઈ શ્રાવણ મહિનાનો આરંભ થવા છતાં રાજ્યમાં હજુ ચોમાસું બરોબર જામ્યું નથી. લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ બનતા વરસાદ પડવાની શક્યતા છે. આ આગાહી વચ્ચે ગુરૂવારના રોજ વલસાડના ઉમરગામમાં માત્ર બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ રાજ્યના માત્ર ચાર તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના પારડીમાં ૭ મિમી, વાપીમાં ૩ મિમી, અને નવસારીના ચીખલીમાં ૧ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે બુધવારના રોજ રાજ્યના ૫૦ તાલુકાઓમાં ૧ મિમીથી ૬૮ મિમી સુધીનો વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ રાજકોટના લોધિકામાં નોંધાયો હતો જ્યારે ભાવનગરમાં ૨ ઈંચ, ધંધુકામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ છેલ્લા એકાદ સપ્તાહથી એકાદ બે સ્થળોને બાદ કરતા સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળે છે. ત્યારે હવે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્ર અનુકુળ પરિસ્થિતિ વરસાદ પડવાની શક્યતા છે. કેટલાંક સ્થળોએ છૂટો છવાયો વરસાદ જોવા મળશે જ્યારે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી શકે છે. ત્યારે હવે તો વરસાદ વરસે તો સારૂં તેવી આશા લોકો સેવી રહ્યાં છે કેમકે, આ વર્ષે સૌરાષ્ટ્રને બાદ કરતા ક્યાંય પણ જોઈએ તેવો વરસાદ થયો નથી અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ છે.