અમદાવાદ,તા.૧૧
રાજયમાં છેલ્લા એકાદ સપ્તાહથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં ૧પ૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં સવા પાંચ ઈંચ નોંધાયો છે. જો કે હજુ પણ નૈઋત્યનું ચોમાસુ બરાબર જામ્યું નથી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૧ર અને ૧૩ ઓગસ્ટના રોજ રાજયમાં અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ મંગળવારના રોજ પણ રાજયના ૧૦૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં ૪ ઈંચ નોંધાયો છે. જયારે ભુજમાં ૩ ઈંચ, સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ, સુરતના માગરોળ, કામરેજ, દ્વારકાના ખંભાળિયા, જૂનાગઢના વંથલી માણાવદર અને વિસાવદરમાં ર-ર ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે છેલ્લા ર૪ કલાકની વાત કરીએ તો તાપીના ડોલવણમાં પ.૧પ ઈંચ, દાંતામાં ર.પ ઈંચ, ડેડિયાપાડામાં ર.પ ઈંચ, દાંતીવાડામાં સવા બે ઈંચ, મહુવામાં ર.૧પ ઈંચ, પોશીનામા ર ઈંચ, વાલોડમાં ર ઈંચ વરસાદ નોંધાયો છે. માણસામાં પોણા બે ઈંચ, વધઈમાં ૧.પ ઈંચ, હિંમતનગરમાં ૧.પ ઈંચ, આહવામાં ૧.પ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે પાલનપુર, મહુવા, ચોર્યાસી, બાયડ, સુબીર કોડીનાર, પ્રાંતિજ, પલસાણા અને અમીરગઢમાં દોઢ ઈંચ, જેટલો વરસાદ નોંધાયો છે. જયારે ઉચ્છલ, વ્યારા, પારડી, વિજયનગર, ગઢડા, બોટાદ, વિજાપુર, માલપુર, ધાનેરા, અને કપડવંજમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. તાપીમાં દેગામાં અને ટીચકપુરા વચ્ચેના કોઝવે પાણીમાં ડૂબી જતાં લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. જયારે હવામાન વિભાગની આગાહી મુબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. રાજય ઉપર ત્રણ વરસાદી સીસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સારો વરસાદ થવાના હવામાનના જાણકારો અનુમાન લગાવી રહ્યા છે. ત્યારે આગામી ૧ર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અને ૧૩ ઓગસ્ટના રોજ ઉતર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે અપૂરતો વરસાદ ધરાવતા ઉતર ગુજરાત સહિત સમગ્ર રાજયમાં આગામી પાંચ દિવસમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને ૧ર અને ૧૩ ઓગસ્ટે રાજયમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ૧ર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અને ૧૩ ઓગસ્ટે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદ વરસાવનારી સીસ્ટમ મધ્યપ્રદેશમાં આકાર પામી રહી છે. ઉતર પૂર્વ મધ્યપ્રદેશમાં લો પ્રેશરની સાથે સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે. જેના પગલે રાજયભરમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. આ ઉપરાંત ૧૩મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં વધુ એક લોપ્રેશર સર્જાવાની સંભાવના છે. જે સર્જાયા બાદ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતા ફરી ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. જયારે આગામી દિવસોમાં રાજયમાં ભારેથી મધ્યમ વરસાદની સાર્વત્રિક વરસાદની સંભાવનાને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણી મહિનો પણ આગળ વધી રહ્યો છે ત્યારે હજુ સુધી રાજયમાં માત્ર પ૭ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.