અમદાવાદ,તા.૭
રાજયમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર મેઘાવી માહોલ જામ્યો છે. જો કે હજુ પણ રાજયમાં અનેક સ્થળોએ વરસાદની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હજુ પણ આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત રાજયમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજય પર વેલમાર્ક લો પ્રેશર યથાવત છે. જયારે સાયકલોનિક સરકયુલેશન સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક સ્થળોએ ભારે વરસાદ થવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૪૮ કલાકમાં જામનગર, દ્વારકા, રાજકોટ, ગીરસોમનાથ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દીવ દમણ સહિતના વિસ્તારો તેમજ કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વળી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેને પગલે આગામી ત્રણ દિવસ માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગની આગાહીને લઈ તંત્ર એલર્ટ છે રાજયમાં એનડીઆરએફની સાત ટીમ તૈનાત કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં એનડીઆરએફની ટીમ મોકલાઈ છે. વલસાડ, નવસારી અને સુરતમાં એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં પણ એનડીઆરએફના જવાનો ખડે પગે છે. કચ્છમાં ભારે પવનની શકયતાને લઈ એનડીઆરએફની ટીમ પહોંચી છે આ ઉપરાંત સુરતમાં એનડીઆરએફની ટમી સ્ટેન્ડ ટુ રખાઈ છે. બીજી તરફ પોરબંદર, દ્વારકા અને અમરેલીની બંદરો પર ૩ નંબરનું સિંગ્નલ લગાવાયું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે. વળી આ સમયગાળા દરમ્યાન પવનની ગતિ ૪૦થી ૬૦ કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે. જો કે ૯ જુલાઈ બાદ વરસાદનું જોર થોડું ઘટશે. જયારે ૧૦થી ૧૧ જુલાઈ દરમ્યાન રાજયમાં સાર્વત્રિક વરસાદની શકયતા છે.