અમદાવાદ, તા.૯
રાજ્યમાં કાળમુખા, કોરોનાએ કહેર મચાવ્યો છે. લોકો લોકડાઉન વચ્ચે પરેશાન થઈ ઉઠયા છે. ઉનાળો પણ આકરા પાણીએ હોય એમ છેલ્લા એકાદ સપ્તાહથી કાળઝાળ ગરમી પડી રહી છે. આ બધાની વચ્ચે આગામી બે દિવસ રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રસ્ત થઈ ઉઠયા છે. બપોરના સમયે તો લોકડાઉન વિના પણ ઘરની બહાર નીકળવાનું નામ લઈ શકાય તેમ નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા તા.૧૦ અને ૧૧ મેના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૦ મેના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જ્યારે બીજા દિવસે ૧૧ મેના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા પંથકમાં તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદના સમાચાર આમ તો રાહત આપનાર છે પણ વરસાદને કારણે ઉનાળુ પાકને તેમજ માર્કેટ યાર્ડ સહિતના સ્થળે પડેલ તૈયાર પાકને પણ નુકસાન થવાની ભીતિ છે.