વડોદરા, તા.૧૭
આગામી મહિનાઓમા યોજાનાર વડોદરા મનપાની ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક થાય તે માટે ‘નોટા’ના વિકલ્પની જેમ ‘ઈવીએમ’ની સાથે બેલેટ પેપરનો પણ બીજો વિકલ્પ આપવા વડોદરા આરટીઆઈ વિકાસ મંચે મુખ્ય ચૂંટણી કમિશનર જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચે છેલ્લા ઘણા સમયથી યોજાતી ચૂંટણીઓમાં કોઈની પણ માગણી કે રજૂઆતો કરી ન હોવા છતાં બેલેટ પેપેર દ્વારા થતાં મતદાનને બંધ કરીને ઈવીએમ મશીન દ્વારા મતદાન કરવાની પ્રથા ચાલુ કરી છે. તે ઈવીએમમાં એકતરફી તથા ચોક્કસ ઉમેદવારને કે પક્ષને જ મતો મળતા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. જેમાં દાખલારૂપી વીડિયો પણ લોકોને અનેક સ્થળોએ જોવા મળી રહ્યા છે. તેનાથી ઈવીએમની વિશ્વસનીયતા રહેતી નથી. અને તેની સામે અનેક શંકાઓ અને સવાલો કરી રહ્યા છે. જેના કારણે મતદાનમાં લોકશાહી કે ચૂંટણી જેવું લાગતું નથી. અમુક મતદાન મથકોએ તો ઈવીએમ મશીનો ખોટવાઈને બંધ થઈ જાય છે. તેના કારણે મતદાન પણ અટકી જતું હોય અને મતદાનમાં વિલંબ થતો હોય. આ તમામ સમસ્યાઓનું નિવારણ આવે તે માટે અને લોકશાહી ઢબે ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શકતાથી થાય તે માટે લોકો ઈવીએમના બદલે બેલેટ પેપેર દ્વારા મતદાન કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. પરંતુ ચૂંટણી પંચ તેની ઉપર કોઈ જ ધ્યાન આપતું નથી. ટીમ આરટીઆઈ ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે કે ચૂંટણીઓમાં જેમ પોસ્ટલ વોટિંગની અને ઓનલાઈન વોટિંગની સુવિધાઓ આપી છે તેમજ કોઈ મતદારને એક પણ ઉમેદવાર પસંદ ના હોય અને પોતાનો મત કોઈને પણ આપવા ઈચ્છતા ન હોય તેવા મતદારો માટે ‘નોટા’નો વિકલ્પ ચૂંટણી પંચે આપ્યો છે તેવી જ રીતે ચૂંટણી પંચ તરફથી જો કોઈ મતદાર ઈવીએમના બદલે બેલેટ પેપર દ્વારા પોતાનું મતદાન કરવા ઈચ્છતા હોય તેવા મતદારો માટે ઈવીએમની સાથે સાથે બેલેટ પેપરની સુવિધા ઊભી કરીને તેનો વિકલ્પ મતદારોને પૂરો પાડવામાં આવે અને તેની જાણકારી અને માર્ગદર્શન મતદારો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી આગામી યોજાનારી વડોદરા મનપાની ચૂંટણીમાં મતદાન માટે ઈવીએમની સાથે બેલેટ પેપરની સુવિધા ચાલુ કરવા વિનંતી કરી છે.