(એજન્સી) કોલકાતા, તા.૯
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે તેમનો પક્ષ આગામી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુસંઘવીને ટેકો આપશે. ટીએમસીની બેઠક બાદ મમતા બેનરજીએ કહ્યું કે તેમના પક્ષ દ્વારા ૪ સભ્યોના નામ રાજ્યસભાની ચૂંટણી માટે નક્કી કરાયા છે. પાંચમાં સભ્ય માટે તેઓ કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપશે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવી અને કપિલ સિબ્બલે અમારા માટે ઘણા કેસો લડી મદદ કરી છે. કોંગ્રેસે તેના ઉમેદવાર મનુ સંઘવી માટે વિનંતી કરી છે. જેને અમે ટેકો આપીશું. જે ચાર ટીએમસીના ઉમેદવારો જાહેર થયા છે તેમાં નદીમુલ હક્ક, સુભાશીષ ચક્રવર્તી, અબીર વિશ્વાસ અને સાન્તુનું સેનનો સમાવેશ થાય છે. ર એપ્રિલના રોજ કૃણાલ ઘોષ, બિબેક ગુપ્તા, નદીમુલ હક્ક અને ડાબેરી તપન સેનની મુદ્દત પૂરી થાય છે. હક્કને પુનઃ ટિકિટ અપાઈ છે. ટીએમસી છોડી ભાજપમાં જોડાનાર મુકુલ રોયે રાજસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હક્ક પત્રકાર અને લેખક છે. ચક્રવર્તી વકીલ છે. સેન રેડિયોલોજિસ્ટ કન્સલટન્ટ છે.