(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
અમેરિકાની ચૂંટણીઓમાં પોપ્યૂલર વોટો બાદ હવે ઇલેક્ટોરલ કોલેજના વોટિંગના પરિણામોએ પણ જો બાઇડેનની જીત પર અધિકૃત રીતે મહોર મારી દીધી છે. તેની સાથે જ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. ૧૪ ડિસેમ્બરે ઇલેક્ટોરલ કોલેજના વોટિંગમાં બાઇડનને ૩૦૬ અને ટ્રમ્પે ૨૩૨ ઇલેક્ટર્સે વોટ આપ્યા. હવે ૬ જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામોની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. આ જીત બાદ પ્રેસિડન્ટ ઇલેક્ટ બાઇડને કહ્યું કે, કાયદો, બંધારણ અને લોકોની ઈચ્છાશક્તિનો નિર્ણય થઈ ચૂક્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે, લોકતંત્રની મશાલ આ દેશમાં ઘણા સમયથી સળગી રહી છે. મહામારી કે પછી શક્તિઓનો ખોટો ઉપયોગ કરીને પણ આપણે એ મશાલને ન બૂઝાવી શકીએ. બાઇડને આશા વ્યક્ત કરી કે અમેરિકાને આવનારા વર્ષોમાં કદાચ ફરી આ પ્રકાના લીડર્સ ન જોવા પડે જે સત્તાના દુરુપયોગ કરે છે અને ચૂંટણીને પ્રભાવિત કરવા માટે લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. નોંધનીય છે કે, બાઇડનને અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ ૮.૧ કરોડ પોપ્યૂલર વોટ મળ્યા છે જ્યારે વાઇસ પ્રેસિડન્ટ ઇલેક્ટ કમલા હેરિસને પણ ૭ કરોડ વોટોની સાથે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ઇલેક્ટોરલ કોલેજના વોટિંગમાં પણ અનેક એવા સીધા વોટ છે જે ટ્રમ્પથી બાઇડનની તરફ શિફ્ટ થઈ ગયા છે. ટ્રમ્પે દેશભરમાં ચૂંટણી પરિણામોની વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા પરંતુ મોટાભાગના સ્થળે તેમને નિરાશા જ હાથ લાગી છે. સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પરિણામોને ચેલેન્જ કરનારી તેમની અરજીને ફગાવી દીધી છે. બાઇડને કહ્યું કે હવે સમય છે કે આગળ વધવામાં આવે અને જૂના ઘાને ભરવાનું કામ શરૂ કરવામાં આવે. લોકોએ વોટથી તેમની તાકાત દર્શાવી દીધી છે. અમેરિકાના લોકતંત્રમાં લોકોનો ભરોસો વધ્યો છે. ચૂંટણીમાં થયેલી ગડબડીથી જોડાયેલા તમામ દાવા ખોટા સાબિત થયા છે, હવે સમય છે કે આગળ વધવામાં આવે, સંગઠિત થવું જોઈએ અને પોતાના ઘા પર મલમ લગાવવો જોઈએ.