અમદાવાદ, તા.૧૯
રાજ્યમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થયા બાદ છેલ્લા બે દિવસથી સામાન્ય વરસાદ સિવાય કોઈ ઠેકાણે વરસાદ જોવા મળ્યો નથી. ત્યારે રાજ્યમાં આગામી ર૧થી ર૪ જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, આ સમય દરમ્યાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ચોમાસાના પૂર્વે જ રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાની અસરને પરિણામે એકાદ સપ્તાહ જેટલા સમય સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જ્યારે અનેક સ્થળોએ પાંચ ઈંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો અને રાજ્યના ૧૯૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જ્યારે આ વરસાદને પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ વાવણી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જો કે, આ એકાદ સપ્તાહ બાદ હવામાન વિભાગની આગાહી ખોટી પડતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો ન હતો. જો કે, વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. ત્યારે વરસાદ બંધ થતાં ફરી એકવાર તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત વાતાવરણમાં ભેજના કારણે બફારાનું પ્રમાણ વધી જતાં લોકો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે પરસેવે રેબઝેબ લોકો હવે સત્તાવાર ચોમાસામાં ધોધમાર વરસાદની મીટ માંડી બેઠા છે. ત્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનને પગલે આગામી ર૧ જૂનથી ચાર દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે દક્ષિણ અને ઉત્તર દરિયાઈ તટના માછીમારોને આ દિવસો દરમ્યાન દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. વળી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. જો હવામાન વિભાગની આગાહી સાચી ઠરે તો વરસાદ થશે. વરસાદ થતાં અસહ્ય ઉકળાટથી ત્રસ્ત લોકોને રાહત મળશે ત્યારે ખેડૂતો સહિતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.