(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
ભારતમાં કોરોના મહામારીનો કહેર સતત ચાલુ છે. અત્યાર સુધી કોવિડના સંક્રમણના ૭૧ લાખ કેસ થઈ ચૂક્યા છે. આ મહામારીનો સામનો કરવા માટે દુનિયાભરમાં વેક્સીન તૈયાર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતમાં કોરોના વેક્સીન ક્યાં સુધી આવશે? આ સવાલના જવાબની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન એ જણાવ્યું કે ૨૦૨૧ની શરૂઆતમાં ભારતમાં એક કરતા વધુ વેક્સીન હોવાની આશા છે. તેના માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. કોરોનાની વેક્સીન પહેલા કોને આપવામાં આવશે, તેના માટે પણ એક્સપર્ટ ગ્રુપે રણનીતિ બનાવી લીધી છે. સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મીટિંગમાં આ વાતો જણાવી. તેઓએ કહ્યું કે, ભારતની વસ્તીને ધ્યાનમાં રાખીને એક વેક્સીન કે વેક્સીન નિર્માતા સમગ્ર દેશમાં વેક્સીનેશનની આવશ્યક્તાઓને પૂરી કરવામાં સક્ષમ નહીં હોય. તેથી અમે ભારતીય વસ્તી માટે તેની ઉપલબ્ધતા અનુસાર દેશમાં અનેક કોરોના વેક્સીનને રજૂ કરવાની વ્યવહારિતાનું આકલન કરવા માટે તૈયાર છે. એવું પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે સૌથી નબળા સમૂહ તેને પહેલા પ્રાપ્ત કરે. ભારતમાં કોરોના વાઈરસનું સંકટ હવે ધીમે-ધીમે ઓછું થતું હોય, તેમ લાગી રહ્યું છે. જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનાથી લાગી રહ્યું છે કે, કોરોનાનો પીક ખતમ થઈ ચૂક્યો છે અને ભારત કોરોના સામેની જંગ જીતવાની નજીક પહોંચી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા દર્દીઓ સોમવારની સરખામણીએ ૧૩ હજાર જેટલા ઓછા જોવા મળ્યાં છે. જે આ વાતનો સંકેત છે કે, દેશમાં કોરોનાનો કહેર જવા તરફ છે. આજે પણ કોરોનાના ૫૫ હજાર નવા કેસ સામે આવ્યાં છે. આ રાહતની વાત એટલા માટે પણ છે કે, થોડા દિવસો પહેલા સુધી એક જ દિવસમાં ૯૦ હજાર કરતાં વધુ કેસો સતત સામે આવી રહ્યાં હતા. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલ આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૫,૩૪૨ નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૭૦૬ લોકોના મરણ નોંધાયા છે. સોમવારના આંકડા જોઈએ તો, ત્યારે લગભગ ૬૭ હજાર જેટલા નવા કેસ સામે આવ્યા હતા. કોરોનાના કુલ સંક્રમિતોની વાત કરીએ તો, ભારતમાં આ આંકડો ૭૧ લાખની પાર પહોંચી ચૂક્યો છે. જો કે રાહતની વાત એ પણ છે કે, નવા પોઝિટિવ કેસોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આંકડા અનુસાર દેશમાં કોરોના વાઈરસના કુલ કેસ ૭૧,૭૫,૮૮૧ પર પહોંચી ગયા છે. જેમાંથી ૮,૩૮,૭૨૯ એક્ટિવ કેસ છે, જ્યારે ૬૨,૨૭,૨૯૬ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, આટલા લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે. બીજી તરફ દેશમાં કોરોના વાઈરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યા ૧ લાખની પાર પહોંચી ચૂકી છે. એટલે દે, દેશમાં અત્યાર સુધી ૧,૦૯,૮૫૬ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ઘણો જ સારો છે અને તે હવે ૯૦ની આસપાસ પહોંચી ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨૪ કલાકમાં રાજ્યમાં અંદાજે ૭ હજાર નવા કેસ નોંધાયા છે. જ્યારે રોજ થનારા મોતના આંકડામાં પણ ઘટાડો આવ્યો છે. ૨૪ કલાકમાં ૧૬૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે થોડા દિવસો પહેલા આ આંકડો ૩૦૦ની ઉપર હતો. મહારાષ્ટ્રમાં રિકવરી રેટ પણ ૮૩ ટકાથી ઉપર પહોંચી ચૂક્યો છે.
આગામી વર્ષની શરૂઆતમાં એક કરતાં વધુ સ્ત્રોત પાસેથી રસી ઉપલબ્ધ થવાની આશા : કેન્દ્રીય આરોગ્ય મંત્રી

Recent Comments