(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૮
આગામી ર૧ અને ર૮ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ૧ ફેબ્રુઆરીથી તબક્કાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ એનએસયુઆઈએ પાર્ટીનું નાક દબાવતા ખુલ્લી ધમકી આપી છે કે જો તેમને અમદાવાદમાં ઓછામાં ઓછી પાંચ ટિકિટો નહીં મળે તો બળવો થશે. કોંગ્રેસની સ્થિતિ ઠોઠ નિશાળિયો ને વેતરણા ઝાઝા જેવી છે. જીતવાની શકયતા ખુબ ઓછી હોવા છતાં બેઠકો પર બેઠકો, મોટા મોટા નિવેદનો અને અમે જીતીશું. તેવી ડંફાસ માર્યા બાદ જયારે કારમી હાર મળે છે. ત્યારે હારની સમીક્ષાના નામે ફરી બેઠકોના નાટક કરવામાં આવે છે. પછી રાજીનામાના પણ નાટક ભજવાય છે. હાલ પણ ઉમેદવારોની પસંદગી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળવાની હતી. પરંતુ ટિકિટ વાંચ્છુઓ દ્વારા વિરોધ કરવામાં આવશે તેવી બીક પેસતા બેઠકનું સ્થળ એકાએક બદલી ગુપ્ત સ્થળે લઈ જવાયું હતું. દરમ્યાન કોંગ્રેસના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ત્રણ તબક્કામાં કરવામાં આવશે. ૧ ફેબ્રુઆરી બાદ પ્રથમ તબક્કામાં સિંગલ નામોના દાવેદારોની અને વિવાદ વિનાની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ત્યાર બાદ બીજા તબક્કામાં ઓછા વિવાદવાળી બેઠકોના નામની જાહેરાત કરવામાં આવશે. ત્યાર બાદ ત્રીજા તબક્કામાં વિવાદવાળી બેઠકોના નામની જાહેરાત કરવામાં આવશે અને જો વધુ વિવાદવાળી બેઠકો કે જયા બળવો થવાની શકયતા વધુ છે. તેવી બેઠકો માટે અંતિમ સમયે ઉમેદવારને સીધા જ ફોન કરી મેન્ડેટ આપી દેવાશે અને ફોર્મ ભરવાનું કહી દેવાશે. આમ પાંચ ફેબ્રુઆરી સુધી તમામ નામોની જાહેરાત કરી દેવાશે. કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી હંમેશા માથાનો દુખાવો બનતી હોય છે તેમ આ વખતે પણ બનવાની શકયતા છે આ વખતે એનએસયુઆઈએ પણ અમદાવાદમાં પાંચ ટિકિટની માગ કરી પક્ષના નેતાઓને ટિકિટ નહીં મળે તો બળવો થશે તેવી ખુલ્લી ધમકી આપતા નેતાઓ દોડતા થઈ ગયા છે. આ સંદર્ભે એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે બેઠક કરવામાં આવી હતી અને કઈ કઈ બેઠકો માટે દાવેદારી કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.