અમદાવાદ,તા.ર
સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની ૨૦૧૧માં મંજૂર થયેલી આગોતરા જામીન અરજીને રદ કરાવવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલની સુનાવણી સાત વર્ષ બાદ પુનઃ શરૂ થઇ હતી. નરોડા ગામ કેસમાં સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીઓ દરમિયાન ૨૦૦૨ના તોફાન પીડિતોના ખોટા સોગંધનામા રજૂ કરવાનો આક્ષેપ સબબ નોંધાયેલી ફરિયાદ બાદ નીચલી કોર્ટે તિસ્તાના આ કેસમાં જામીન મંજૂર કર્યા હતા. પરંતુ સરકારે તેના વિરૂદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ આ કેસને પડકારતી અરજી તિસ્તા સેતલવાડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવતા હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીનની અપીલની સુનાવણી અટકી ગઇ હતી. પરંતુ ડિસેમ્બર, ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર તરફી ચુકાદો આપતાં સરકારે પુનઃ સુનાવણી કરવા માટે કોર્ટને અરજી કરી હતી. તાજેતરમાં આ કેસની સુનાવણી નીકળતા હાઇકોર્ટે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટના ચુકાદા સહિતના દસ્તાવેજો રજૂ કરવા માટે તાકિદ કરી હતી. તેથી હવે ચાલુ મહિને તેની સુનાવણી હાથ ધરવામાં આવશે. તોફાન પીડિતોને મદદ કરનારી સંસ્થા સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસના તિસ્તા સેતલવાડે તેમની સાથે કામ કરતાં રઇસખાન નામના કાર્યકરને પાણીચું આપી દીધું હતું. ત્યારબાદ ખાલે નરોડા ગામ, સરદારપુરા અને ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના કેસોમાં ખોટા સોગંધનામા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવાના તિસ્તા સામે આક્ષેપ કરીને ફરિયાદ નોંધવાની અરજ કરી હતી. તેની સુનાવણી દરમિયાન નરોડા ગામ કેસમાં ફરિયાદ નોંધવાનો નીચલી કોર્ટે આદેશ કરતા તે આદેશને નાં. ગુજરાત હાઈકોર્ટમાં તે વખતના વકીલે કાયદા સચિવને પોતાનો અભિપ્રાય આપી હુકમને પડકારવા જણાવેલ કારણ કે, સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટને ફરિયાદ નોંધવા હુકમ કરેલ અને મેજિસ્ટ્રેટ કોર્ટે જાતે ફરિયાદ ચલાવવાને બદલે સીધી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા હુકમ કરેલ, પરંતુ અરજી દાખલ કર્યા બાદ સુનાવણી પહેલાં જ પોતે જજ તરીકે નિમાયેલા. ત્યારબાદ અન્ય વકીલે સુનાવણી કરેલ અને નાં. જસ્ટિસ એમ.આર. શાહએ રજિસ્ટ્રાર વતી કરેલ અરજી રદ કરેલ જે હુકમને અરજદાર ગુજરાત હાઈકોર્ટ રજિસ્ટ્રારે સુપ્રીમમાં પડકારેલ નહીં. દરમિયાન તિસ્તા સેતલવાડે નાં. સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. જે હુકમ ગુજરાત સરકારે નાં. હાઈકોર્ટમાં પડકારેલ, પરંતુ તે દરમિયાન નાં. સુપ્રીમ કોર્ટે ફરિયાદ સ્થગિત કરેલ અને છેક ૭ વર્ષ બાદ ડિસેમ્બર ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડની અરજીનો નિકાલ કરી એવો હુકમ કરેલ કે, સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી તિસ્તા સેતલવાડ પાછી ખેંચે છે અને જરૂર પડે તો નીચલી અદાલતોમાં કાયદામાં જોગવાઈ મુજબ અરજી કરી શકે છે. આમ સાત વર્ષ બાદ આ કેસ ફરી વખત પ્રકાશમાં આવ્યો છે.