(એજન્સી) આગ્રા, તા.રર
ઉત્તરપ્રદેશના આગ્રાની એસએન મેડિકલ કોલેજમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા ૨૮ દર્દીઓના એડમિટ થયાના ૪૮ કલાકની અંદર જ મોત થઈ ગયા છે. આ વાતનો ખુલાસો યોગી સરકારની એક ઓડિટ રિપોર્ટમાં થયો છે.
આ રિપોર્ટમાં પરિવારના નિવેદન પણ દાખલ છે, ત્યારબાદ સરકારે આની વિસ્તૃત તપાસના આદેશ જાહેર કર્યા છે. આગ્રામાં કોરોનાને કારણે અત્યાર સુધી ૭૫ દર્દીઓના મોત થઈ ગયા છે. સરકારે બે સભ્યની પેનલને કુલ ૭૫ મોત પર હોસ્પિટલ અને જિલ્લાના અધિકારીઓ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે.
અધિકારીઓએ આરોગ્ય વિભાગને ૨૮ દર્દીઓની જાણકારી માગી છે. સરકારે આરોગ્ય વિભાગને દર્દીઓના દાખલ થવાની માહિતી, કોરોના સિવાય તેમને અન્ય બીમારીની માહિતી અને સાથે જ મોતના કારણો અગે ડિટેલ રિપોર્ટ અને સારવાર કરી રહેલા ડોક્ટરોના નામની જાણકારી માગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોરોના દર્દીઓની આ ઓડિટ રિપોર્ટ શનિવારે કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટીના સીનિયર પ્રોફેસર ડો. રાહુલ જનક સિન્હાએ પેનલની સામે રાખી હતી. આગ્રાના ડીએમ પ્રભુ નારાયણ સિંહે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે જિલ્લામાં કુલ ૨૮ દર્દીઓના મોત થઈ ગયા છે જેની તપાસ કરાવવામાં આવશે. આની રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે.