(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
વહીવટી વિભાગની અભૂતપૂર્વ બેદરકારી દર્શાવતી ઘટના બનેલ છે. આગ્રા યુનિ.એ પ્રથમ વર્ષ આર્ટસના વિદ્યાર્થીની માર્કશીટ ઉપર અભિનેતા સલમાનખાનનો ફોટો પ્રકાશિત કર્યો છે જ્યારે અધિકારીઓ ફેર તપાસ કરી રહ્યા હતા ત્યારે એમના ધ્યાનમાં આવ્યું કે, માર્કશીટમાં વિદ્યાર્થીના નામની પાસે સલમાનખાનનો પાસપોર્ટ સાઈઝનો ફોટો હતો. જે વિદ્યાર્થીએ પ્રથમ વર્ષની પરીક્ષામાં ૩પ ટકા ગુણ મેળવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, અન્ય માર્કશીટોમાં પણ આ પ્રકારની ક્ષતિઓ જણાવી હતી જેમાં એક માર્કશીટમાં રાહુલ ગાંધીનો ફોટો પણ હતો. જો કે, માર્કશીટો હજુ વહેંચાઈ ન હતી જેથી સત્તાવાળાઓ વધુ શરમજનક પરિસ્થિતિથી બચી ગયા છે. આગ્રા યુનિ. સાથે જોડાયેલ અમૃતાસિંઘ મેમોરિયલ કોલેજ, તેજપુર જાવા, અલીગઢના વિદ્યાર્થીનો માર્કશીટમાં આ ફોટો હતો. રાષ્ટ્રપતિ કોવિંદ પદવીદાન સમારોહમાં ૧પ દિવસ પછી આવવાના છે. એ પહેલાં જ આ ઘટના બની છે. જો કે, જનસંપર્ક અધિકારી શર્માએ જણાવ્યું કે, અમને આ પ્રકારની કોઈપણ ફરિયાદ મળી નથી.