(એજન્સી) મુંબઇ, તા. ૨૦
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રાજ્યમાં પાલઘર મોબ લિંચિંગની ઘટના વિશે માહિતી આપી હતી.અહેવાલ અનુસાર ઠાકરેએ આ કેસમાં સરકાર યોગ્ય પગલાં લેશે તેવું આશ્વાસન આપ્યું હતું. ટેલિફોનિક વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ગૃહ મંત્રીને બનાવની વિગતો આપી હતી અને ઘટનામાં સામેલ લોકોને પકડવા માટે કયા પગલાં લીધા તેની વિગતો આપી હતી. ૧૬મી એપ્રિલની રાતે મુંબઇના ત્રણ રહેવાસીઓ કારમાં માર્ગ પર જઇ રહ્યા હતા ત્યારે સિલવાસા પાસે પાલઘર જિલ્લાના ગડકચિંચાલે ગામના સ્થાનિક લોકો દ્વારા તેમની લિંચિંગ કરીને હત્યા કરી દેવાઇ હતી, તેઓને ચોરીની શંકામાં માર મારવામાં આવ્યો હતો. ત્રણ કિશોરો સહિત આ ઘટનામાં પોલીસે કુલ ૧૧૦લોકોની અટકાયત કરી છે, પોલીસનેશંકા છે કે, આ લોકો ઘટનામાં સામેલ હતા. સોમવારે પોતાના ફેસબૂકથી લાઇવ થઇને મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, લિંચિંગની ઘટના અત્યંત કમનસીબ બાબત છે અને હત્યા પાછળની વિગતો ગપ્તચર પોલીસ અધિકારીઓ દ્વારા મેળવાઇ રહી છે. ૧૬મી એપ્રિલની રાત્રે મહારાષ્ટ્રના પાલઘરમાં ચોરીની શંકામાં બે સાધુ સહિત ત્રણ લોકોની લિંચિંગ દ્વારા ટોળાએ હત્યા નીપજાવી હતી. ગામલોકાએે હુમલો કરવા માટે કુહાડીઓ તથા લાકડીઓનો ઉપયોગ કર્યો હતો. પીડિતો અંતિમવિધિ માટે મુંબઇથી સૂરત જઇ રહ્યા હતા. ઉદ્ધવે જણાવ્યું કે, સાધુઓને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે રોકવામાં આવ્યા હતા અને પરત મોકલી દેવાયા હતા પરંતુ તેમણે જોખમ લીધું અને અંતરિયાળ માર્ગથી જવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં જે ગામમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યાં થોડા સમયથી ચોરીની અફવાઓ ફેલાઇ રહી હતી. આ આખી ઘટના ગેરસમજને લીધે બની પરંતુ આમાં ત્રણ લોકોનો જીવ ગયો હતો. તેમણે કહ્યું કે, અમે શાંત પડ્યા નથી. અમે કલાકોમાં જ પગલાં લીધા છે. પોલીસ પર પણ હુમલો થયો છે. તેથી અમે આખી રાત કોમ્બિંગ ઓપરેશન ચલાવ્યું અને ૧૧૦ લોકોને પકડી પાડ્યા હતા. અમે કોઇને છોડીશું નહીં. આ કેસની તપાસ સીઆઇડી કરી રહી છે.